મધરટંગ, અધર-ટંગ અને અડીખમ રહેશે આ બધી સદ્ધર-ટંગ

Updated: Nov 1st, 2022


Google NewsGoogle News
મધરટંગ, અધર-ટંગ અને અડીખમ રહેશે આ બધી સદ્ધર-ટંગ 1 - image


- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

''વેજ કે નોનવેજની  વાત જવા દો, પથુકાકાની ટેસ્ટી લેન્ગવેજનો સ્વાદ  પણ માણવા જેવો હોય છે. સ્વયંભૂ શિવલિંગ હોય એમ  કાકાના સ્વયંભૂ સ્પેલિંગના અર્થ હોય. બપોરે  જમીને કાકા  નિરાંતે  હિંચકા  ઉપર આવીને   બેઠા. એ  વખતે કાકાનાં  હાફ-બોડી (અર્ધાંગના)  હો-બાળાકાકી આવ્યાં અને બોલ્યાં,  'હવે  રસોડાનું કામ કરીને થાકી છું એટલે અંદર જઈને શાંતિથી સૂઈ જાઉં છું. તમે બેસો.' આ સાંભળી કાકા પોતાના  અંગ્રેજીના  અ-જ્ઞાાનનું  એક્ઝિબિશન  કરતા હાથ જોડી  બોલ્યા, ' ગો... ગો યુ મે રેસ્ટ ઈન પીસ...'

મેં  હસીને કહ્યું,  'કાકા કોઈ કાયમ માટે આંખ મીંચી જાય ત્યારે રેસ્ટ ઈન પીસ કહેવાય, તમને કોઈ ભાન-બાન છે કે નહીં?'  કાકા ભૂલ સ્વીકારતા  બોલ્યા  'ઓકે... ઓકે, હવે હું  કહીશ કે ટેમ્પરરીલી  રેસ્ટ ઈન પીસ...'

મેં કાકાને કહ્યું, 'ઘણાને ઈંગ્લિશ દારૂનો નશો ચડે એમ  તમને ઈંગ્લિશ ભાષાનો કેમ નશો ચડયો છે?'  પથુકાકા બોલ્યા, 'મને  ઈંગ્લિશ કે દેશીનો કાંઈ નશો નથી ચડયો,  હું  તો આપણને  બસો વરસ  ગુલામ રાખનાર અંગ્રેજો પર  દાઝ ઉતારું છું.  અંગ્રેજોની  માતૃભાષા અંગ્રેજી, બરાબર? માતૃભાષાને અંગ્રેજીમાં મધરટંગ  કહેવાયને?  એટલે હું  અંગ્રેજોની મધર-ટાંગ  તોડું છું.'

હિંચકે  બેઠાં બેટાં  અલકમલકની  વાતું કરતાં કરતાં બે-અઢી કલાક વીત્યા ત્યાં (હો)બાળાકાકી  ઉઠયાં અને  અમારા માટે ચા બનાવીને લાવ્યાં.  પથુકાકા કપ લઈ ટટ્ટાર  ઊભા રહી  ગયા. મેં નવાઈ પામીને પૂછયું,'આ શું નવો ખેલ કરો છો?' હસીને કાકાએ જવાબ આપ્યો,'આને કહેવાય યુનિટી ઈન ડાઈવર્સિટી...'  મને કાઈ સમજાયું નહીં  એટલે પૂછ્યું, 'ચાને અને યુનિટીના  સૂત્રને  વળી  શું  સંબંધ?' કાકાએ  ધીમી-બંદૂક  (સ્લોગન)નો અર્થ સમજાવ્યો કે 'યુનિટીનો હું ગુજરેજીમાં શું ઉચ્ચાર કરું છું, ખબર છે?  ઉ ની-ટી એટલે ગરમ-ચા  બરાબર? અને ડાઈવરસિટીનું  પોસ્ટમોર્ટમ કરી એવો  અર્થ ર્  કાઢ્યોે  છે કે  આ ડાહી (કાકી) વર એટલે કે મને જોતાવેંત ટી બનાવી આપે છે.  હવે આખું સ્લોગન ધ્યાનથી  સાંભળઃ ઉની-ટી ઈન  ડાહી-વર-સી-ટી... બરાબરને?'

ભાષાને વળગે શું ભૂર

ભાષાના ભગા કરે ઈ શૂર.

હું અને કાકા ભાષાનો  ભાંગરો  વાટતા હતા  એ  વખતે ટીવી પર સમાચારોનો પ્રવાહ ચાલુ  હતો. હિન્દી ન્યુઝ ચેનલના રિપોર્ટરો  ભીડ વચ્ચે  ફરી વળ્યા અને માઈકનું  બૂમ ધરી  પૂછવા લાગ્યા. એક  કડેધડે  કાઠિયાવાડી  કાકાને રિપોર્ટરે   હિન્દીમાં  પૂછયું કે 'દેશ કે પ્રધાનમંત્રી માતાજી કે દર્શન કે લિયે  આયે હૈ તો  આપ કૈસા ફીલ કરતે હૈ?' કાઠિયાવાડી કાકાએ ખોંખારો  ખાઈને જવાબ  આપ્યો , 'હમ  સબ  એમ-ફિલ કર રહે હૈ કી  નમો કો દેખકે   હમારી  છાતી  ગજ ગજ  ફૂલતી હૈ... મેં  તો કહેતા હૂં કે મોદી હૈ તો મુમકિન હૈ, બાકી સબ નમકિન હૈ...'

આ મજેદાર સંવાદ  સાંભળી મેં કહ્યું, 'કાકા, જોયુંને?  રાષ્ટ્રભાષાને આ બધો  કેવી  સૌ-રાષ્ટ્રભાષામાં  ફેરવી  નાખી?' માથું ધુણાવી  કાકા બોલ્યા, 'હું  એટલે જ કાયમ  કહું છું કે  ભાષાને નામે  ભાંડણ કરાય નહીં, ભાષાને  નામે કરાય નહીં સજા, દરેક ભાષાની  લેવાય મજા.  ભાષાવાદીઓના ભવાડા જોઈને જ કહેવું પડે છે કે-

ભાષાને નામે  બાંધો નહીં વાડા,

ભાષાને નામે કરો નહીં ભ-વાડા,

ભાત ભાતની ભાષાને ભાવથી      ભેટો,

તો ભરાય જ્ઞાાન-ગમ્મતનાં ગાડાં.'

કાકાની વાતનો તંતું પકડીને મેં સવાલ કર્યો , 'તમે સાહિત્યમાં  રસ લ્યો છોને?' કાકા બોલ્યા, 'સાહિત્યમાં રસ પણ છે અને હ-રસ પણ છે, એટલે બળતરા પણ છે કે  મોબાઈલ અને કોમ્પ્યુટરના આ જમાનામાં  વાંચવાના શોખમાં ઓ ટ આવતી જાય છે. આ મોબાઈલના વળગાડે  તો ભણેલગણેલને પણ 'અંગુઠાછાપ' બનાવી દીધા છે,  બધા  માથું નમાવી   મોબાઈલમાં જ જોતા  હોય છે. આ કેવું  નીચાજોણું કહેવાય?'

મેં પૂછ્યું, ' તમને વાંચવાનો શોખ છે  એટલે  પૂછવાનું મન થયું કે તમે કવિ પેસેન્જર  ફ્રોમ પાલનપરનું નામ સાંભળ્યું છે.'  પથુકાકા માથું ખંજવાળી બોલ્યા, 'મેં તો   આવું નામ ક્યાંય  નથી સાંભળ્યું. આ નવા  કવિ કોણ છે?'  મેં હસીને કહ્યું, 'પેસેન્જર ફ્રોમ  પાલનપુર એટલે   કોણ ખબર છે? મુસાફિર  પાલનપુરી...  ગુગલિયા અનુવાદથી  કેવા ગોટાળા  અને ગલગલિયા  થાય છે?' ખડખડાટ હસીને પથુકાકાને કંઈક યાદ  આવતા  બોલ્યા, ' મેં પણ સોશિયલ મીડિયામાં  એક અંગ્રેજી  શેર વાંચ્યો ને મારું ભેજું ભમી ગયું -

ડ્રિંક કલર, ડ્રિંક લાઈટ

ડ્રિંક રેડનેસ

વ્હાય વન, ડ્રિંક વન લેક 

ગ્લાસ ડ્રિંક,

ઈફ યુ આર અફ્રેડ ઓફ

ફોલીંગ ડાઉન,

ધેન હોલ્ડ ગ્લાસ ટાઈટલી

એન્ડ ડ્રિંક... ડ્રિંક...'

મેં કાકાને  પૂછ્યું, 'આ વળી અંગ્રેજી શેર કોનો સંભળાવ્યો?' પથુકાકા ખોંખારો  ખાઈને બોલ્યા, 'અરે  મારા  વ્હાલા, આ મૂળ શેર તો  ગુજરાતીમાં જ છે,  પણ સોશિયલ મીડિયામાં  કોઈ ચાહકે  મૂક્યો ત્યારે આપોઆપ અંગ્રેજીમાં અનુવાદ થઈ ગયો. આ મૂળ શરે છેઃ

રંગ પી રોશની પી લાલી પી

એક શું કામ  લાખ પ્યાલી પી,

ને પડવાનો જો હોય  ડર

તો જામને ઝાલી પી.'

મેં દુબારા... દુબારા કહી  દાદ દેતા  પૂછયું, 'કોનો છે  આ શેર?' પથુકાકાએ  જવાબ  આપ્યો કે  શેરની નીચે  લખ્યું  હતું  અમૃત 'ઈન્જર્ડ' એટલે મારા દિમાગમાં  ટયુબલાઈટ થઈ કે  આ તો મુઠ્ઠી ઊંચેરા શાયર અમૃત 'ઘાયલ'નો  શેર છે.

આપણે  અંગ્રેજની  ગુલામીમાંથી  છૂટયા, પણ અંગ્રેજીની ગુલામીમાંથી  છૂટકારો  નથી થયો,  અંગ્રેજ  પણ રંગરેજની  જેમ ભાષાને રંગે એવાં  રંગી  ગયા છે કે  વાત ન પૂછો. સાચું અંગ્રેજી આવડે તો  ઠીક, બાકી ઘણા અંગ્રેજી અને ગુજરાતીનું  મિશ્રણ કરીને એવી  ગુજરેજી વાપરતા હોય છે કે  સાંભળીને  આપણને વ્યંગબાણ છોડવા માટે એક  નવી ભાષા મળી જાય - વ્યંગરેજી.'

બીજાની  ક્યાં વાત કરું?  પથુકાકા  હાજરાહજૂર  જ છે ને?  એક દિવસ એમની  જૂની  ઓફિસની  વાત  નીકળી.  કાકા બોલી ઉઠયા, 'હુંજ્યારે નોકરી કરતો ત્યારે હેડ-લાઈટ બરોબર હોવાથી વાંધો નહોતો આવતો.'

મેં હસીને પૂછ્યું , 'હેડ-લાઈટની  વાત કરો છો તે તમે  ટ્રકમાં ક્લિનર હતા?' કાકા જરાક ગરમ થઈ બોલ્યા,'લાફો... લાફો ભલે લાફો લાફવાના  તમારા  દિવસો છે બીજી  રીતે કહું તો  તમારા  લાફટર ડે છે લાફટર ડે...'

મેં યાદ અપાવ્યું કે હેડલાઈટની તો વાત   તો કરો? કાકા કહે, ' અમારા ડિપાર્ટમેન્ટના હેડ  હતા, હસુભાઈ હાથી.  દરેક વાત હળવાશથી  લે અને ક્યારેય  માથે ભાર રાખી  ન ફરે. હાથીસાહેબ બધી  વાત લાઈટલી  લે એટલે  અમે એમને હસુ હેડ-લાઈટ કહેતા. જે હળવા હોય એને જ મળવાનું મન  થાય. એટલે જ  આપણે શબ્દપ્રયોગ કરીએ છીએને કે  હળવા મળવાનું રાખો...'

મેં કહ્યું, 'કાકા, હેડ-લાઈટે  કેટલો વખત  નોકરી કરી?   રિટાયર  થયા કે નહીં?' કાકા બોલ્યા , 'રિટાયર નહીં,  થ્રી-ટાયર થયા...' મેં પૂછયું,  'એટલે?' કાકા બોલ્યા 'હસુ હેડ-લાઈટ ત્રણ વખત રિટાયર  થયા ને  ત્રણેત્રણ વાર  એક્સટેન્શન  મળ્યું  એ પછી  રૂખસત લીધી એટલે  થ્રી-ટાયર થયા કહેવાયને?'

મેં છેલ્લો સવાલ કર્યો કે હસુ હેડ-લાઈટની જગ્યાએ  તમારા હેડ તરીકે  કોણ આવ્યું? નિસાસો નાખી  પથુકાકા બોલ્યા,  'હેડ-લાઈટની જગ્યાએ  એવાં તો હેડ-હેવી  સાહેબ આવ્યા કે મારે જ નોકરી  છોડવી પડી.' મેં પૂછયું કે હેડ-હેવી એટલે?  કાકા બોલ્યા, 'હેડ-હેવી એટલે માથા-ભારે. એટલે જ  નોકરી છોડતી વખતે હું ગણગણ્યો હતોઃ

કોઈ હળવા હલ્લેસે તારે

તો કોઈ  ખરેખરા  હડસેલા મારે,

કોઈને મળે પરી તો કોઈને મળે ઉપરી,

કોઈના માથા ખાલી તો કોઈ માથા ભારે.'

અંત-વાણી

ભાષાવાદીઓ ભલે

બેઠા થાય બળી,

પણ કોઈ ભાષા

નથી ન-બળી.


Google NewsGoogle News