વરસાદમાં પટકાય તાવમાં, તાવને કહો સ-તાવ મા
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ચોમાસામાં વણનોતર્યા મહેમાનની જેમ તાવ આવી ચડે ત્યારે તેને આવકાર કે તાવ-કાર આપ્યા વિના છૂટકો છે? માણસ તાવમાં પટકાય અને કાં વર્તાવથી પટકાય. તાવ જાય પણ માણસનો વર્તાવ ન જાય. વર તાવમાં આવી જાય ત્યારે વર-તાવ ફરી જાય.
મેં લગભગ ૬૫ ચોમાસામા ંવાંઢાજનક સ્થિતિમાં વહુ-સાદ સાંભળ્યા વિના વરસાદમાં એકલા ભીંજાતા કાઢ્યાં. ઘણાં ઘણાં ત્રાગાં કર્યા પણ માગાં ન આવ્યાં. જ્યોતિષે તો કુંડળી જોઈને જ ભવિષ્ય ભાખ્યું હતું કે, 'તમે આજીવન સુખી રહેશો. તમારી કુંડળીમાં લગ્નનો યોગ જ નથી.' એ સાંભળીને મેં તો રંગમાં આવીને ઠોકગીત લલકાર્યું કે, 'મારૃં વાંઢાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું...
ઉંમર પચપન કી, આદત પન (શ્લેષ) કી ઔર હરકત બચપન કી... આવી બેચલર ઓફ હાર્ટની ડિગ્રી સાથે ટેસથી અ-જોડ સ્થિતિમાં જલસા કરતો હતો ત્યાં જ એક જ દિવસમાં દેશ-વિદેશથી એક નહીં ચાર-ચાર માગાં આવ્યાં. આ ઉંમરે ચાર- ચાર માગાં? મુંબઈમાં એક કલાકમાં ચાર ચાર ઈંચ વરસાદ ખાબકે અને બધું જળબંબાકાર થઈ જાય એમં એક જ દિવસમાં ચાર-ચાર માગાં આવ્યાં એટલે વર બનાવવા માટેનો વર-સાદ થતાં મને તો તાવ ચડી ગયો. જાતી જિંદગીએ મરવાનું હોય કાંઈ વરવાનું હોય?
વળી આ ચારેચાર માગાંઈ-મેલથી આવ્યા હતા. મેલ અને ફિ-મેલને ભેગા કરવામાં હવે એક આ ઈ-મેલ ભાગ ભજવે છે. એક ફિમેલ ઉમેદવારે તો લખ્યું: 'તમારી એકલતા ટાળવા હું જીવનસાથી બનવા માગું છું.' મેં સામો મેલ કર્યો: 'હું મારી એકલતા એક-લતાનાંગીતો સાંભળી ટાળું છું. લતાજી ખુદ એકલાં હતાંને? છતાં તેમને એકલતા ન સાલી તો મને શું સાલવાની?'
ગુજરાતની બીજી એક મહિલાએ ઈ-મેલમાં લખ્યું: 'ફેસબુક પર તમારો ફોટો જોઈને આકર્ષાઈ છું. મારી ઊંમર ૫૪ વર્ષની છે. બે વાર છૂટાછેડા લઈ ચૂકી છું અને ત્રીજીવાર તમારી હારે છેડા અડાડવાનો નમ્ર પ્રયાસ છે. મારો આસ્થાળુ સ્વભાવ છે. ગણપતિની ભક્ત છું એટલે પતિ-ગણ ગણ કરું છું એમ ન માનતા. આપના જવાબની રાહ જોઉં છું.'
કોમેડિયન આગાના ચહેરાના હાવભાવ ચાર-ચાર માગાંથી મારા ચહેરા પર ધસી આવ્યા. હું તો રીતસર ઘાંઘો થઈને દોડયો પથુકાકા પાસે. ચોમાસામાં ગરમાગરમ ભજિયા ખાતા અને ધોળી ધોળી મૂંછો ઉપર હાથ પસવારી ક્લિનિંગ કરતા કાકાને મેં પૂછ્યું, 'કાકા, શું કરો છો?'
કાકા બોલ્યા, ' કેમ ? જોતો નથી? આ મારી મૂંછોને ફિવર આપું છું.'
મેં પૂછ્યું, 'કાકા, તમને અંગ્રેજીમાં આફરો ચડયો છે કે શું? મૂંછને ફિવર આપો છો એનો મતલબ?'
પથુકાકા ખોંખારો ખાઈને બોલ્યા, 'મૂંછને ફિવર આપું છું એટલે કે મૂંછને તાવ દઉં છું એટલું ય નથી અંગ્રેજી સમજતો? બોલ, તું કેમ આમ અટાણમાં ઘાંઘો થઈને દોડી આવ્યો?'
મેં કહ્યું, 'કાકા, ભારે થઈ છે. એક જ દિવસમાં ઓનલાઈન ચાર-ચાર માગાં આવ્યાં. આવા ઓપરેશન સિંદૂર જેવી સર્જિકલ સ્ટ્રાઈકને લીધે મને તાવ ચડી ગયો. તમે મૂંછોને તાવ દેતા બેઠા છો અને મને તાવ ચડયો ઈ જોતા નથી? કોણ જાણે ક્યાંથી એક સાથે આટલા બધાં માગાં આવી પડયાં?'
કાકા ખડખડાટ હસીને બોલ્યાં, 'ઈ તોે મેં જ સાઈબર કેફેમાં જઈને ઓનલાઈન મેરેજ બ્યુરોમાં તારૃં નામ નોંધાવવાનું અડપલું કર્યું'તું. બોલ, કેવો રિસ્પોન્સ મળ્યો?'
શાદી અને ગાદીના નામે ઘણા તાવમાં આવી જાય છે, કારણ કે આ દેશમાં શાદી અને ગાદી માટે ક્યાં ઉંમરનો બાધ છે? આ તો મારી જેવા ખાનદાની વાંઢા કો'ક જ હોય જેને શાદીના નામે ખરેખર તાવ આવી જાય. મેં આ કારસ્તાન માટે કાકાને ખખડાવ્યા, 'આ ઉંમરે મને પરણાવવાનીકુમતિ કેમ સૂઝી?'
કાકા બોલ્યા, 'પતિ થઈને પતી ગયેલા અમે બધા પીડા વેઠીએ અને તું એકલો જલસા કરે ઈ અમારાથી કેમ જોયું જાય? વૈષ્ણવજન તો તેને રે કહીએ જે (પરણી) પીડ પરાઈ તાણે રે...'
પથુકાકાની ભત્રીજી માટે મૂરતિયો ગોતવાની તડામાર તૈયારી ચાલતી હતી. છોકરી પેથોલોજીસ્ટ એટલે ડોકટર મૂરતિયો જ જોઈએ એવી હઠ પકડી હતી. મેં કન્યાને પૂછયું, 'ડોકટર સિવાય બીજા વધુ ભણેલગણેલન ચાલે? તને કેમ ડોકટર જ જોઈએ?'
કન્યા બોલી, 'કાકા, આ મોંઘવારી જુઓ છોને? આવી પરિસ્થિતિમાં ઘર ચલાવવા માટે મને તો ફિવર વિના ચાલે જ નહીં.'
મેં પૂછ્યું, 'મોંઘવારી અને વધતા ભાવની પરિસ્થિતિમાં તને ફિવર હોય એવો તાવવાળો પતિ કેમ પસંદ છે?'
કન્યા હસીને બોલી, 'અંકલ, ફિવર એટલે તમે ન સમજ્યા? જે રોજ દરદીઓ પાસેથી ઊંચી ઊંચી ફી પડાવી ઘરે રોકડા લઈ આવે એવા વરને ફી-વર કહેવાય, સમજ્યા?'
વાહ! મને સ્માર્ટ કન્યાની વાત ગળે ઉતરી. પ્રજાને વધતા ભાવથી તાવ ચડે ત્યારે તબીબી સારવારની ફીના ભાવ ચડે. કોઈ વગર ડિગ્રીએ વાર કરી પૈસા પડાવે તો કોઈ ડિગ્રી લીધા પછી સાર-વાર કરી પૈસા પડાવે. એટલે જ ટ્રીટમેન્ટમાટે કેવો બંધબેસતો શબ્દો છે સાર-વાર. પૈસા જ પડાવવા છે ત્યાં વાર કરવામાં સાર નહીં.'
એક ઓળખીતા મેડિકલ સ્ટોરવાળાને મેં કહ્યું, 'આખો દિવસ દુકાનમાં ડૂબેલા રહો છો તો ચોમાસામાં વહુ-છોકરાવને લઈ વરસાદ જોવા અને મોજ મામવા મહાબળેશ્વરકે લોનાવાલા જઈ આવોને!'
એણે કહ્યું ,'ભાઈ, ચોમાસુ તો અમારી ખરી ઘરાકીની સિઝન કહેવાય. તાવ, શરદી, ખાંસી જેવી જાતજાતની બીમારીમાં પટકાઈ લોકો દવા લેવા દોડે એટલે અમને તડાકો પડે. માંદા પડે ત્યારે દવાના મોં માગ્યા દર આપી દે એનું જ નામ દર-દી.'
જુલાઈમાં ડોકટર્સ ડે આવતો હોવાથી એના અનુસંધાનમાં એક અનુભવી અને ઓળખીતા ડોકટરને મેં અમસ્તું જ પૂછ્યું, 'ડોકટર સાહેબ, લાંબુ આયુષ્ય મેળવવા શું કરવું જોઈએ?'
ડોકટર કહે, 'પરણી જા!'
મેં નવાઈભેર પૂછયું, 'શું પરણી જવાથી આયુષ્ય લંબાય?'
ડોકટર હસીને કહે, 'પરણવાથી આયુષ્ય લંબાય નહીં, પણ લગન કર્યા પછી આયુષ્ય બહુ લાંબું લાગે.'
હું દવાખાનામાં હજી તો બેઠો હતો ત્યાં ત્યારે કટકટિયા કાકી તાવમાં પડકાયેલા પથુકાકાને લઈને રિક્ષામાં દવાખાને આવ્યાં. ડોકટરે કાકાને તરત ઈન્જેક્શન આપ્યું. પછી કાકાને કહ્યું, 'હું ઊંઘની ગોળી લખી દઉં છું, કારણ કે કાકાને આરામની સખત જરૂર છે.'
કાકીએ પૂછયું, 'ઊંઘની ગોળી કાકાને ક્યારે આપવાની?'
ડોકટરે બોલ્યા, 'કાકાને નથી આપવાની, એ ઊંઘની ગોળી તમારે લેવાની છે.'
ડોકટરની સલાહ સાંભળી કાકાએ ઊંહકારો કરીને પછી દો-લાઈના સંભળાવી:
'ધણી પટકાયો તારો તાવમાં,
હવે તું મને સ-તાવ મા.'
પછી કાકા બોલ્યા, 'ડોકટર સાહેબ, આખા દેશના મંદવાડ માટે જે જવાબદાર હોય, એને ગોળી ન દેવાય?'
ડોકટરે જવાબ આપ્યો, 'એને ગોળી ન દેવાય, ગોળીએ દેવાય!'
અંત-વાણી
સવાલ: પોતે જ પોલ (ચૂંટણી)માં જીતશે એવા તાવમાં આવી ગયેલા નેતાઓને કંઈ બીમારી લાગુ પડી છે?
જવાબ: પોલીયો.
** ** **