જમીન દફતર કચેરીમાં હડતાલના પગલે ૨૦ દિવસથી કામગીરી ખોરંભે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કર્મચારીઓ કચેરી બહાર અને અરજદારો રાહમાં
જિલ્લાની ૧૦ કચેરીમાં રોજીંદી ૧૦૦ લેખે ૨૦૦૦ અરજીના કામો અટકી ગયા, સમાધાન ક્યાર
ભાવનગર - લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-૩ના સર્વેયર તથા સિનિયર સર્વેયર વર્ગ-૩ના ગ્રેડ-પેમાં સુધારાની માંગણી સાથે અગાઉ ૮ દિવસ પેનડાઉન અને હવે તા.૨૧ થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા કચેરીની તમામ કામગીરી ખોરંભાઇ જવા પામી છે અને હાલ ૨૦૦૦ જેટલી અરજીઓની કામગીરી અટકી પડી હોવાનું જણાયું છે. જો કે, કર્મચારી કચેરી બહાર અને અરજદારો આંદોલન સમેટાવાની રાહમાં છે.
ભાવનગર લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-૩ના સર્વેયર તથા સિનિયર સર્વેયરના ગ્રેડપેમાં સુધારાની અવાર નવાર માંગણી કરવા છતાં સરકારમાંથી કોઇ કાર્યવાહી નહીં થતા ગઇ તા.૧૧ થી ૧૮ સપ્ટે. પેનડાઉન કરવામાં આવી હતી. જ્યારે તા.૧૯મીએ માસ સી.એલ. અને પ્રશ્નો હલ નહીં થતા તા.૨૧થી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતાં. જો કે, આ હડતાલ બાદ એક બેઠક પણ યોજાઇ હતી. પરંતુ તે બેઠક પડી ભાંગતા હડતાલ યથાવત શરૃ રહી હતી અને આજે છેલ્લા ૨૦ દિવસથી કચેરીની તમામ કામગીરી ખોરંભાઇ છે જેના કારણે જમીન માપણી, હદ નિર્ધારણ, જમીન રેકર્ડની જાળવણી, સીટી વિસ્તારના રેકર્ડની નિભાવણી, સરકારી માપણી, બીનખેતી માપણી, જમીન ગ્રાન્ટ માપણી, જમીન સંપાદન, જમીન સર્વે, વાંધા નિકાલ, નોંધ પાડવાની કામગીરી અટકી પડી છે. સ્વાભાવિક જિલ્લાની ૧૦ કચેરીમાં રોજીંદી ૧૦૦ અરજીઓ આવી રહી છે. જેથી હાલ ૨૦ દિવસથી કામગીરી ઠપ્પ રહેતા ૨૦૦૦ અરજીઓ આ હડતાલના કારણે અટકી પડી છે. જે અંગે નથી સરકાર ગંભીર કે નથી કર્મચારીઓ ગંભીર. અરજદારો પોતાના કામોને લઇ ભારે અવઢવમાં મુકાયેલા છે અને હડતાલ ક્યારે પુરી થશે તેની રાહ જોઇ રહ્યા છે.
હડતાલ સમેટાતા જ અરજીનો મારો શરૃ થશે, કામગીરી વધશે
છેલ્લા ૨૦ દિવસથી જમીન દફતર કચેરીના કર્મચારીઓ હડતાલ પર રહ્યા છે ત્યારે શહેરના કે ગ્રામ્યના કોઇપણ અરજદારના કામો થયા નથી અને લોકો પણ હવે આ હડતાલથી કંટાળી ગયા છે. જ્યારે પણ સમાધાન થશે અને કચેરી પૂર્વવત થશે અરજદારોનો ધસારો વધવાની સંભાવના છે અને એક દિવસમાં જે ૧૦૦ અરજી આવતી તેના બદલે ત્રણ ગણી અરજીઓ આવવાની શક્યતા કર્મચારીઓ સેવી રહ્યા છે.




