ભાવનગર જિલ્લામાં ૧૬.૯૧ લાખ મતદારોની મુસદ્દા યાદી જાહેર કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર - ભાવનગર જિલ્લામાં ૧૯.૯૧થી વધુ મતદારોનો મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદીની નકલો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ સોંપવામાં આવી છે.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને કોપી સોંપવામાં આવી, ઈઆરઓના નિર્ણય સામે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રથમ અપીલ કરી શકાશે
૨૬મી ડિસેમ્બર સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારોમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. સાત વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૧૬,૯૧,૬૨૪ મતદારો નોંધાયેલા છે. જેમાં ૯૯-મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૨,૩૫,૩૫૪, ૧૦૦-તળાજામાં ૨,૩૮,૨૭૩, ૧૦૧-ગારિયાધારમાં ૨,૦૯,૩૨૩, ૧૦૨-પાલિતાણામાં ૨,૬૬,૫૮૫, ૧૦૩-ભાવનગર ગ્રામ્યમાં ૨,૮૫,૪૯૩, ૧૦૪-ભાવનગર પૂર્વમાં ૨,૩૧,૪૪૭ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમમાં ૨,૨૫,૧૪૯ મતદારોનો સમાવેશ થાય છે.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુસદ્દા મતદારયાદીની ફોટાવાળી હાર્ડ કોપી અને ફોટા વગરની સોફ્ટ કોપી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સોંપાઈ હતી. ઉપરાંત મતદારયાદી સુધારણા પ્રક્રિયા, પ્રાપ્ત થયેલા હક્ક-દાવા, વાંધાઓ અને તેના નિકાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ બાદ હવે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૨૪ (એ) હેઠળ મતદાર નોંધણી અધિકારી (ઈઆરઓ) દ્વારા લેવાયેલા નિર્ણય સામે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રથમ અપીલ કરી શકાશે. પ્રથમ અપીલ સત્તાધિકારીના નિર્ણય સામે મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ના નિયમ ૨૭ હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારી (સીઈઓ) સમક્ષ બીજી અપીલ કરી શકાશે.
તા.૧-૧-૨૦૭ના લાયકાતની તારીખના સંદર્ભમાં પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદારયાદીમાં નાગરિકો પોતાના નામ, વિગતોની ચકાસણી કરી તા.૨૭-૧૧થી તા.૨૬-૧૨ દરમિયાન જરૃરી દાવા અને વાંધા રજૂ કરી શકશે તેમ જણાવાયું છે.
ત્રણ દિવસ ખાસ ઝુંબેશનું આયોજન
ભાવનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૨૯-૧૧, તા.૬-૧૨ અને તા.૧૩-૧૨ના રોજ ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ દિવસો દરમિયાન નાગરિકો સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથક પર જઈ મતદારયાદીમાં નામ નોંધણી, નામ કમી અને વિગતોમાં સુધારા માટેની અરજી કરી શકશે. આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન ઈસીઆઈએનઈટી તેમજ વોટર્સ.ઈસીઆઈ.ગવ.ઈન વેબસાઈટ મારફતે પણ ઓનલાઈન નામ નોંધણી, નામ કમી અને વિગતોમાં સુધારાની અરજી કરી શકાશે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ પણ જાહેર કરવામાં આવ્યો છે.




