સ્તંભેશ્વર તીર્થ ખાતે શિવરાત્રીના દિવસે શિવલીંગના સવારે 8 થી સાંજે 4 અને રાત્રે 8 થી મળશ્કે 4 વાગ્યા સુધી દર્શન થશે
-તા.19 થી શિવરાત્રી સુધી દરરોજ હોમાત્મક લધુરૃદ્ર યોજાશે ઃ બુધવારે સામુહિક પિતૃ તર્પણ
કાવલી તા.15 ફેબ્રુઆરી 2020 શનિવાર
કાવી- કંબાઈના મહાતીર્થ સ્તંભેશ્વર તીર્થ ખાતે શિવરાત્રીના દિવસે શિવલીંગના દર્શનનો સમય સવારે 8 થી સાંજે 4 અને રાત્રે 8 થી મળશ્કે 4 વાગ્યા સુધી દર્શન થશે. આ સમય દરમિયાન સમુદ્રમાં ઓટના કારણે શિવલીંંગ દ્રશ્યમાન રહેશે. બાદમાં ભરતીના કારણે શિવલીંગ સાગરના પાણીમાં ડૂબી જવાથી દર્શન થઈ શકશે નહી.
જંબુસર તાલુકાના કંબોઇ (કાવી)ના ગૃપ્તતીર્થ સ્તંભેશ્વર ખાતે તા.૨૧મીના રોજ મહાવદ 13 ના દિવસે શિવરાત્રી પર્વ ઉજવાશે. મહાશિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ તિર્થ ખાતે તા .19 મીથી એટલે કે શિવરાત્રીના ત્રણ દિવસ પહેલાં ઉજવણી શરૃ થશે. તા.19 મીએ સામુહિક પિતૃ તર્પણ અને શિવરાત્રી સુધી દરરોજ હોમાત્મક લધુરૃદ્ર યોજાશે.
અહીં પ્રસ્થાપિત શિવલીંગ ઓટના સમયને બાદ કરતા મોટાભાગના સમય સુધી પાણીમાં અદ્રશ્ય રહે છે. અહીં પાણીમાં અદ્રશ્ય થતા તથા ઓટના સમયે શિવલીંગના અદભૂત દર્શનનો લ્હાવો અનેરો છે. સ્કંધ પુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ કાવી ગામ નજીક આવેલા કંબોઇ ખાતે મહીસાગર સંગમતીર્થ ખાતે તારકાસુરના ત્રાસથી મુક્તિ અપાવવા શિવપુત્ર કાર્તિકેયએ જન્મના સાતમા દિવસે દેવોના સેનાપતિ તરીકે યુધ્ધ કરી તારકાસુરનો વધ કર્યો હતો. વિજયની સાક્ષી રૃપે સ્વામી કાર્તિકેયે વિજયસ્તંભ તરીકે ત્રણ શિવલીંગની સ્થાપના કરી હતી. જે પૈકીનું એક શિવલીંગ સ્તંભેશ્વર તરીકે કંબોઇ ખાતે પ્રચલિત છે. હજુ બે શિવલીંગ ગૃપ્ત હોવાનું મનાય છે.
કળિયુગનો પ્રારંભ થવાનો હતો તે સમયે નારદજીએ દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ હવે કળિયુગની તૈયારી થઇ રહી છે અને કળિયુગમાં હજારો વર્ષો સુધી શિવલીંગ અદશ્ય રહેશે તો શિવજીનો મહિમા ભુલાઇ જશે. કળિયુગમા માનવીમાં હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરવાનો સમય નહી હોય નારદજીની વિનંતી સાંભળી મહાદેવે નારદજીને વરદાન આપ્યુ કે કળિયુગમાં શિવલીંગ ભક્તોને દર્શન આપશે. આમ, આજે પણ ઓટના સમયે શિવલીંગના દર્શન કરી શકાય છે.
આ તીર્થના સ્વામી વિદ્યાનંદજી મહારાજે જણાવ્યા અનુસાર આ તીર્થમાં સ્નાન માત્રથી ગ્રહોની દશા શાંત થાય છે. ખાસ કરીને શનિવાર અને સોમવારે કરેલા તપ, જપ, દાન અને સ્નાન અતિપુણ્યશાળી હોય છે. શિવરાત્રી પર્વે રાજસ્થાન, મ.પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ ભરૃચ, સુરત, વલસાડ, પંચમહાલ અને ખેડા જિલ્લો તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. આ ક્ષેત્ર કપિલમુનીના ગોત્રના કપિલ બ્રાહ્મણોનું ક્ષેત્ર હોવાથી આ તીર્થનું નામ કંબોઇ-કાવી પડયુ હોવાનું મનાય છે.
-સ્તંભેશ્વર તીર્થ ખાતે રોડ અને રેલવે માર્ગથી આવી શકાશે
સ્તંભેશ્વર તીર્થ ખાતે આવવા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાવિકો રેલવે માર્ગથી વડોદરા અથવા બોરસદ- બામણગામથી નવાપુરાથી જંબુસરના હાઈવે પરથી અને દક્ષિણ ગુજરાત તરફથી આવતા દર્શનાર્થી રેલવે કે રોડથી ભરૃચ- જંબુસર થઈને કાવી કંબાઈ સ્તંભેશ્વર તીર્થ ખાતે આવી શકશે.
-સ્તંભેશ્વર તીર્થમાં ભરતી અને દર્શનનો સમય
તિથિ ભરતીનો સમય દર્શનનો સમય
એકમ મળસ્કે 2-45 થી સવારે 8-45 સવારે 9-45 થી બપોરે 3-45
બીજ મળસ્કે 3-00થી સવારે 9-00 સવારે 10-30થી બપોરે 4-30
ત્રીજ મળસ્કે 4-00 થી સવારે 10-00 સવારે11-15 થી સાંજે 5-15
ચોથ સાંજે 5-00થી રાત્રે 11-૦૦ રાત્રે 11-00 થી સવારે 5-00
પાંચમ સાંજે 6-00થી રાત્રે 12-00 રાત્રે 12-00થી સવારે 6-00
છઠ્ઠ સવારે 7-00થી બપોરે 1-00 બપોરે 1-00થી સાંજે 6-00
સાતમ સવારે 8-00થી બપોરે 2-00 બપોરે 2-00થી રાત્રે 8-00
આઠમ રાત્રે 9-00થી રાત્રે 3-00 રાત્રે 3-00થી સવારે 9-00
નોમ સવારે 10-00થી બપોરે 4-00 બપોરે 4-00થી રાત્રે 10-00
દસમ રાત્રે 11-00થી મળસ્કે 5-00 મળસ્કે 5-00 થી સવારે 11-00
અગિયારસ બપોરે 12-00થી સાંજે 6-00 સાંજે 6-00થી રાત્રે 12 -00
બારસ રાત્રે 1-00થી સવારે 7-00 સવારે 7-00થી બપોરે 1-00
તેરસ બપોરે 1-30 થી સાંજે 7-30 સાંજે 7-30 થી રાત્રે 1-30
ચૌદશ રાત્રે 2-00થી સવારે 8-00 સવારે 8-00થી બપોરે 2-00
પુનમ બપોરે 2-00થી રાત્રે 8-00 રાત્રે 8 - 45 થી રાત્રે 2-45
અસ્વસ્યા બપોરે 2-00થી રાત્રે 8-00 રાત્રે 8-00 થી રાત્રે 2-00