નવા ટ્રાફિક નિયમનની જાહેરાત પછી વાહન ચાલકોની પીયુસી કઢાવવા સવારથી રાત સુધી કતારો જામી
-શહેરી વિસ્તારોમાં હેલમેટ પહેરવામાંથી મુક્તિ માટે શહેરીજનો દ્વારા કરાયેલી માગ
ભરૂચ તા.13 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
નવા મોટર વેહિકલ એક્ટ હેઠળ નવા ટ્રાફિક નિયમનોની જાહેરાત પછી ભરૂચના વાહન ચાલકોમાં જરૃરી દસ્તાવેજોની પૂર્તતા માટે ખાસ કરીને પીયુસી મેળવવા માટે દોડધામ વધી ગઇ છે. પીયુસી સેન્ટરો પર વહેલી સવારથી રાત સુધી ભીડ જામે છે.
બેન્કો પર નોટબંધી વખતે નોટો જમા કરાવવા કતારો લાગી હતી તે રીતે વાહન ચાલકો પીયુસી સેન્ટરો પર લાંબી કતાર જમાવી રહ્યા છે. શહેરના સાતથી આઠ પીયુસી સેન્ટર પર અત્યાર સુધી કાગડા ઉડતા હતા અને બધું મળીને પચાસેક પીયુસી કઢાવાતા હતા. હવે નવા નિયમનોનો ૧૬મીથી અમલ થનાર છે. ત્યારે વહેલી સવારથી સવારના પાંચ વાગ્યાથી જ વાહનચાલકોની કતાર જામી રહી છે.
પીયુસી સેન્ટરના સંચાલકોને ધસારો જોતાં કતારને વ્યવસ્થિત રાખવા બેરીકેટ બાંધવી પડી છે. માઇક પર તેની જાહેરાત પણ કરાઇ રહી છે.