અંકલેશ્વરમાં લોભામણી સ્કીમોથી લોકોને ફસાવતા બે ઝડપાયાઃપાંચ ફરાર
અંક્લેશ્વર તા.9 માર્ચ 2020 સાેમવાર
અંકલેશ્વરમાં લોકહિત ભારતી ક્રેડિટ કો.ઓ.સો.નામની બ્રાન્ચ ખોલીને નિર્દોષ લોકોને રોકાણનું ઉંચુ વળતર આપવાની લાંચ આપી રૃ. ૭ લાખ ચાઉં કરી જનાર બે શખ્સની શહેર પોલીસે ધરપકડ કરી હતી જ્યારે અન્ય પાંચ ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરનાં વાલિયા ચોકડી પાસે આવેલી ઓમકાર કોમ્પલેક્ષમાં લોકહિત ભારતી ક્રેડિટ કો.ઓ.સો.નામની બ્રાન્ચ ખોલીને લોકોને નાણાંનું રોકાણ કરી તેના વધુ વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો ભેજાબાજો દ્વારા કરી હતી. ઘણાખરા લોકોએ આ જાહેરાતોની લોભામણી સ્કીમોમાં આવી જઈને પોતાની મહેનતની કમાણીનું રોકાણ કર્યુ હતુ.
સમય મર્યાદામાં રોકાણકારોને તેઓનાં રોકેલા નાણાંની મુદ્દલ કે વળતર પરત ન મળતા લોભામણી જાહેરાતોનો ભાંડો ફૂટયો હતો .ભડકોદ્રા ગામ ખાતે રહેતા ચંદ્રશેખર પ્રસાદ દ્વારા આ અંગે શહેર પોલીસ મથકમાં જુલાઈ 2019 માં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.જે અંગે તપાસ કરતી શહેર પોલીસે બે આરોપીઓ સૈયદ રસીદ હાશમી તેમજ સુરેશ કરણ બંને રહેવાશી દિલ્હીનાં ધરપકડ કરી હતી , જયારે તેઓનાં અન્ય પાંચ સાથી હજી ફરાર હોવાનું જાણવા મળ્યુ હતુ.