ગુમાનદેવ પાસે સરદાર પ્રતિમા રોડ પર બે કિમિ લાબો ટ્રાફિકજામ
-અત્યંત ખરાબ રોડના કારણે ટ્રક બ્રેકડાઉન થઇ હતીઃકલાકો સુધી વાહનોનો ખડકલો
ઝઘડિયા તા.19 જાન્યુઆરી 2020 રવીવાર
ઝઘડિયાના ગુમાનદેવ પાસે સરદાર પ્રતિમાને જોડતા રોડ પર ખરાબ રોડના કારણે ટ્રક બ્રેકડાઉન થતા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન રોડની કામગીરી અધૂરી અને તદ્દન તકલાદી હોવાના કારણે ઝઘડિયામાં બનેલ રોડ સરદાર પ્રતિમાના પ્રવાસીઓ અને સ્થાનિકોમાંટે, આંતરરાજ્ય માલવાહક વાહનો માટે માથાના દુખાવા સમાન બન્યો છે.
સરદાર પ્રતિમાને જોડતા રોડની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિમાં મોટા માથાની સંડોવણી હોવાના કારણે કોઈ પગલાં નહીં ભરાતા હોવાની ચર્ચા થઇ રહી છે.
દક્ષિણ ગુજરાતમાંથી સરદાર પ્રતિમા નિહારવા આવતા પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ફોરલેન હાઇવે બનાવની કામગીરી કરી છે. અંકલેશ્વરથી વાયા ઝઘડિયા થી રાજપીપલા સુધીની કામગીરી ત્રણ તબક્કામાં શરૃ કરી હતી.જેમાં રાજપીપલા તરફનો રોડ ચકાચક બે વર્ષ પહેલાજ બની ગયો છે.
અંકલેશ્વર થી ઝઘડિયાનો રોડ એક ફૂટ બન્યો નથી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રોડ ફોરલેન ન બન્યો હોત તો સારુ એમ લોકો કહી રહ્યા છે કેમ કે આ રોડની ગામે ગામ કામગીરી અધૂરી પડી છે. રોડ, નાળા, પુલ ની કામગીરી અધૂરી પડી છે. કોન્ટ્રાક્ટરે છેલ્લા કેટલા મહિનાઓથી કામ બંધ કરી પલાયન થઇ ગયો છે.
હાલમાં સમસ્યા એમ છે કે ઝઘડિયા તાલુકામાં જેટલો રોડ બન્યો છે.તે પૈકી કેટલો રોડ અત્યંત ખરાબ હાલતમાં આવી ગયો છે. સરદાર પ્રતિમાના પ્રવાસીઓ ચોમાસા દરમિયાન હાડમારી વેઠી પ્રવાસ કરતા હતા.ચોમાસા બાદ હાલમાં વધુ પરિસ્થિતિ વિપરીત બની છે. રોડની સમયસર મરામત કરવામાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નીવડું છે.
આ રોડ બાબતે કલેક્ટર ચૂપ છે, નાયબ કલેક્ટર ચૂપ છે, મામલતદાર ચૂપ છે. કોઈ આ સરદાર પ્રતિમાને જોડતા રોડની કામગીરી પૂર્ણ કરાવવા સક્ષમ નથી ! ગુમાનદેવ મંદિર પાસે થી ફોરલેન બનવાનું બંધ થયું છે.જેથી ગુમાનદેવ રેલવે ફાટક પાસે ખુબ જ કઠિન પરિસ્થિતિ છે. રેલવે ફાટક પાસે એટલી ખરાબ હાલત છે કે ,મોટરકાર ની બોડી રોડને અડી જાય છે અને વાહન માલિકોને નુકસાન થઇ રહ્યું છે ,છતાં નિુર તંત્રની આંખ ઉઘડતી નથી.
ખરાબ રોડના કારણે ગુમાનદેવ પાસે એક ટ્રક બ્રેકડાઉન થઇ હતી એટલે થોડાજ સમયમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકોના જામ દરમિયાન વાહનોની કતાર બે કિમિ ગોવાલી સુધી પહોંચી ગઈ હતી. હંમેશા માલવાહક વાહનો પાસે ચકાસણીના બહાના હેઠળ રૃપિયા ઉઘરાવતા જિલ્લા ટ્રાફિકના બહાદુર પોલીસ કર્મીઓ આવા સમયે જ ગાયબ થઇ જાય છે ! જામ એટલી હદે વકરી ગયો હતો કે વાહન ચાલકો ઝઘડિયા જી આઇ ડી સી થઇ ડાયવર્ઝન લઇ અંકલેશ્વર, ભરૃચ પહોંચવા મજબૂર બન્યા હતા.
રવિવારની રજા હોઈ સરદાર પ્રતિમાના પ્રવાસીઓ પણ જામમાં ફસાઈ ગયા હતા.કલાકો સુધી જામ રહેતા રાહદારીઓ હાડમારીનો ભોગ બન્યા હતા. સરદાર પ્રતિમા નિહારવા આવતા પ્રવાસીઓ ઝઘડિયા તાલુકાના અત્યંત ખરાબ રોડનો અનુભવ કરી રહ્યા છે જેથી તેઓ વહીવટી તંત્રની નકારાત્મક છાપ લઇ જઈ રહ્યા છે.
-ખરાબ રોડનો લોક પ્રતિનિધિઓ દ્વારા રોજિંદો ઉપયોગ
ગુમાનદેવ ફાટક થી ગુમાનદેવ સુધીનો રોડ એટલી હદે ખરાબ છે કે તેના માટે કોઈ શબ્દ નથી. આ રોડ પરથી સાંસદ , માજી રાજ્ય સભાના સાંસદ , ઝઘડિયાના ધારાસભ્ય , ધારીખેડા સુગરના ચેરમેન ઉપરાંત કેટલા લોકપ્રતિનિધિ રોજ એક વાર આવન જાવન કરતા હશે છતાં સરકારમાં સરદાર પ્રતિમાને જોડતા રોડ ની કામગીરી પૂર્ણ કરવાની અને જેટલો રોડ બન્યો છે તેટલા રોડની મરામત કરાવી શકતા નથી જે શરમજનક બાબત છે છેલ્લા કેટલા વર્ષોથી રોડની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે લોકો અને લોક પ્રતિનિધિઓ હાડમારી વેઠી રહ્યા છે.