ભરૂચના નર્મદા કિનારે ગણેશ પ્રતિમાઓની દુર્દશા
-નિયમોનું ઉલ્લંધન કરી પીઓપીની પ્રતિમાઓ વિસર્જીત કરાઇ હતીઃતંત્રની ઘોર નિષ્ક્રીયતા
ભરૂચ તા.23 સપ્ટેમ્બર 2019 સાેમવાર
ભરૂચમાં ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં નિયમોને નેવે મુકી તંત્રએ પીઓપીની પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જીત કરાવી હતી. આ પ્રતિમાઓ ભાંગી તુટી હાલતમાં નદીના કિનારે કાદવ વચ્ચે ખડકાયેલી છે. નર્મદા કિનારે પુર ઓસરતા ગંધાતા કાદવ કિચડ વચ્ચે ખંડિત અવસ્થામાં પડેલી ગણેશ પ્રતિમાઓને જોઇ શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે. સરકારે પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ મૂકાયેલો છે. સાથે 8 ફુટથી વધુ ઉંચાઇની પ્રતિમા પણ પ્રતિબંધિત છે.
પરંતુ ગણેશ ઉત્સવમાં હવે શ્રધ્ધાના સ્થાને સ્પર્ધાનું માધ્યમ બની જતા નિયમોને નેવે મુકી ભરૃચમાં પ્રતિબંધિત મૂર્તિઓના સ્થાપન થયા હતા. જેનું દશ દિવસ સુધી લોકોએ પૂજન અર્ચન કર્યુ હતું. દશમો દિવસ ગણેશજી માટે વસમો બની ગયો હતો.
નર્મદાના જળમાં પીઓપીની મૂર્તિ વિસર્જીત કરવા પર પ્રતિબંધ હોવાછતાં તંત્રએ સામે ચાલીને આવી મૂર્તિઓ વિસર્જીત કરાઇ હતી. નર્મદામાં પુરના પાણી ઓસરતા જ પીઓપીની ગણેશજીની પ્રતિમા ખંડિત હાલતમાં પડેલી જોવા મળે છે. કોઇ ગણેશના હાથ નથી કોઇના પગ નથી, કોઇની સુંઢ નથી, કોઇના કાન નથી, તો કોઇ ગણેશજીની તો ગર્દન જ કપાયેલી છે. આવી અસંખ્ય મૂર્તિઓ ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર ઘાટ ખાતે ખડકાયેલી છે.
વહિવટી તંત્રએ જો નિયમો મુજબ નર્મદા જળમાં માત્ર માટીની મૂર્તિ જ વિસર્જીત કરવા દીધી હોત તો વિઘ્નહર્તા ગણેશની આવી દુર્દશા ના થઇ હોત. એટલે તંત્રના પાપે જ ગણપતિની દુર્દશા થતા આ વખતે નિયમ વિરૂધ્ધ જઇ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરનાર આંખ આડા કાન કરનાર અધિકારી અને રાજકીય નેતાઓ વિરૃધ્ધ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરીયાદ નોધાય તો નવાઇ નહીં.