અંકલેશ્વરની એરો ગ્રીનટેક કંપનીમાં ભીષણ આગમાં પ્લાન્ટ બળીને ખાખ
-8 ફાયર ટેન્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
અંક્લેશ્વર તા.31 ઓક્ટાેબર 2019 ગુરૂવાર
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી એરો ગ્રીનટેક લી.કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 8 થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં પ્લોટ નંબર 5310 ખાતેની અને વોટર સોલ્યૂબલ ફિલ્મનું ઉત્પાદન કરતી એરો ગ્રીનટેક લી. માં તા.૩૦મી ઓક્ટોબર બુધવારનાં રોજ કોઈક કારણોસર આગ ફાટી નીકળતા કંપનીમાં નાશભાગ મચી ગઈ હતી. આગ લગતા જ કંપની સંચાલકો એ નોટીફાઈડનાં ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં જાણ કરતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા. દિવાળીની રજાઓમાં શાંત રહેલી જી આઇ ડી સી એકાએક લાયબંબાની ચીચીયારોથી ગુંજી ઉઠી હતી.કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે લોકોએ દુરદુર થી ગગન ચૂમતા કાળા ધુમાળા નિહાળ્યા હતા.
8 થી વધુ ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ વધુ બેકાબુ બનતા નગર પાલિકા , પાનોલી જીઆઇડીસી ફાયર સ્ટેશનનાં ફાયર ટેન્ડરોને પણ મદદે બોલવવામાં આવ્યા હતા . અને ૮ થી વધુ ફાયર ટેન્ડરોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગ ની ઘટનાના પગલે જી આઇ ડીસી પોલીસ તેમજ વીજ કંપની નો કાફલો પણ દોડી આવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી. જો કે કંપની માં ભારે નુકશાન થવા પામ્યું હતુ.