ભરૂચમાં ગેરકાયદે દુકાન બાંધકામ મુદ્દે પાલિકાએ બૌડાને પત્ર લખ્યો
ભરૂચ તા.9 જૂન 2019 રવીવાર
ભરૂચના પાંચબતી થી સોનેરી મહેલ તરફ જવાનો માર્ગ અત્યંત સાંકડો હોવા છતાં આ માર્ગો ઉપર આડેધડ ગેરકાયદે બાંધકામને લઇ ટ્રાફિક જામનું ન્યુસન્સ વધી રહ્યું છે .હાલમાં રોડ પહોળો કરવાની દરખાસ્ત પણ કરાઈ છે .સોનેરી મહેલ રોડ તરફ શોપિંગ સેન્ટરની બાજુમાં ગેરકાયદે દુકાનનું બાંધકામ કરાઇં રહ્યુ છે. જે અંગેની જાણ ભરૃચ નગર પાલિકાને થતા તેઓએ સ્થળ નિરીક્ષણ કરી સમગ્ર ગેરકાયદે દુકાનના બાંધકામને દુર કરવા તથા બાંધકામ કરાવનાર સામે કાર્યવાહી કરવા માટે ભરૂચ નગર પાલિકાએ બૌડાને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
ગેરકાયદે ચાલી રહેલા દુકાનના બાંધકામ મુદ્દે બૌડા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાઈ તો જગદીશ શોપિંગ સેન્ટરથી રંગ ઉપવન સુધીના મુખ્ય માર્ગો ઉપરના કેબિન ધારકો પોતાની કેબીનો દૂર કરી ગેરકાયદે દુકાનો ઊભી કરી દબાણ કરશે. તેવી દહેશત સ્થાનિક રહીશોમાં વર્તાઈ રહી છે.
એક અઠવાડિયાથી ગેરકાયદ દુકાનના બાંધકામ મુદ્દે બૌડા વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં રહેતા સ્થાનિક રહીશોએ પાલિકાને રજૂઆત કરતા પાલિકાએ પણ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરી બૌડાને કાર્યવાહી કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.
ગેરકાયદ દુકાનના બાંધકામ મુદ્દે ભરૂચ નગર પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે દુકાન નું બાંધકામ ગેરકાયદે હોવાનું અમારી જાણમાં આવતા ભરૃચ નગર પાલિકા દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી આ બાબતે બૌડાને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે.બૌડા વિભાગ ગેરકાયદે દુકાન બાંધકામ મુદ્દે કાર્યવાહી કરનાર હોવાનું ભરૂચ નગર પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું.