ભરૂચની મહિલા નર્સ અને યુવક ઘરે પરત ફરતા રહીશોએ સ્વાગત કર્યું
ભરૂચ તા. 24 એપ્રિલ 2020 શુક્રવાર
ભરૂચમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવતા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર બાદ સાજા થતાં તેઓ ઘરે પરત ફરતાં સોસાયટીના રહીશોએ તેઓનું સ્વાગત કરી વધાવી લીધા હતા.
ભરૂચ જિલ્લાના 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પોઝિટિવ દર્દીઓ સારવાર થયા બાદ સાજા થતા તેના પરિવારજનો તથા જે તે વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ભરૃચની નર્મદા બંગલો સોસાયટીમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મિનલબેન પટેલ તથા 16 વર્ષીય કિશોર કોરોના વાઇરસની સારવાર લીધા બાદ સાજા થતા તેઓને રજા આપી હતી.
બંને પોતાની સોસાયટીમાં આવતાની સાથે જ સોસાયટી દ્વારા બંનેનું સ્વાગત કરાયું હતું. જ્યારે બંનેની આરતી પૂજા કરી હતી. સોસાયટીના રહીશોએ પોતાના ઘર ગેલેરીમાંથી તાળીઓના ગડગડાટથી બંનેનું સ્વાગત કર્યું હતું.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે.અન્ય લોકો સારવારથી સાજા થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.સાજા થયેલા દર્દીઓ પોતાના ઘરે પરત આવતા સોસાયટીના રહીશોએ સ્વાગત કરી તેઓને આવકાર્યા હતા.