હાઈટેંશન લાઈન ઉપરથી કૂદાકૂદ કરતા આઠ વાંદરાનું કરંટ લાગતા મોત
-મોટામાલપોર ગામની સીમમાં જેટકો નેત્રંગ અને રાજપારડીની ટીમે પાંચ બાળ વાનરને બચાવી લીધા
નેત્રંગ તા.13 માર્ચ 2020 શુક્રવાર
નેત્રંગ રાજપારડી રોડ પર કુરી અને અસનાવી ગામ વચ્ચેના રોડ વિસ્તારની બાજુમાં વરધીયા ડુંગરનો જંગલ વિસ્તારમાં નાના મોટા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે.જેમાં મોટી સંખ્યામાં વાંદરાઓનું એક ઝુંડ તા. 12 મી માર્ચે જંગલ વિસ્તાર છોડીને ખોરાકની શોધમા મોટા માલપોર ગામની સીમામાં આવી પહોંચ્યુ હતું.
સીમમાથી પસાર થતી ,66 કે.વી વીજ પ્રવાહની હાઇટેન્શન લાઇનના એક ટાવર પર ચઢી ગયુ હતું.નાના મોટા ૨૨ વાંદરા હ હાઇટેન્શન લાઇન ના ટાવરપર ચડી કુદા કુદ કરતાં ભારે વીજપ્રવાહને કારણે આઠ વાંદરાને કરંટ લાગવાથી મોત થયું હતુ.જેમાંથી નાના પાંચ બાળ વાનરોને જેટકોની ટીમે અને ગામલોકોએ સંયુક્ત રીતે કામગીરી કરી બચાવી લીધા હતા.
ગઈકાલના રોજ મોટામાલપોર ગામની સીમમાં બાવીસ વાંદરાઓનુ ઝુંડ આવી 66 કેવી હાઈટેંશન લાઈનના ટાવરની ટોચ પર ચડી ગયા હતા.જેની જાણ ગામના સરપંચને થતાં સરપંચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જેટકો વિભાગ નેત્રંગ ને જાણ કરી હતી.રાજપારડી અને નેત્રંગ જેટકોની ટીમના 12 કર્મચારીઓએ ઘટના સ્થળે મોકલ્યા હતા.જેટકો વિભાગ દ્વારા રાજપારડીથી નેત્રંગ આવતી હેવી હાઇટેન્શન લાઈનનો વીજપ્રવાહ બંધ કરી કપિરાજો બચાવવા જોેખમ ખેડી કમચારીઓએ ઉપર ચડી નાના બાળ કપિરાજોને બચાવી લીધા હતા.
ગામલોકોએ કેળા અને વેફર લાવી કપિરાજોને ટાવર પરથી નીચે ઉતારવાના પ્રયત્નો કયો હતા.તેમ છતાં ઝુંડના મોટા કપિરાજો નીચે ઉતર્યા ન હતા.પાવર સપ્લાય વધુ બંધ રાખવાથી સરકારને મોટું નુકસાન જાય તેમ હોય ફરી હાઇટેન્શન લાઇન ચાલુ કરવામાં આવતા.બે કપિરાજોને પહેલા કરંટ લાગતા નીચે પટકાતા મોત થયા હતા.વધુ કૂદાકૂદ કરતા બીજા છ કપિરાજોને કરંટ લાગતા સળગી ઉઠયા હતા.જેમાં કુલ આઠ કપિરાજોને કરંટ લાગતા મોતને ભેટયા હતા.