ભરૂચ નર્મદા નદીનાં પાણી સતત ચોથી વખત ભયજનક સપાટી પાર કરી
-નર્મદા કાંઠા વિસ્તારનાં ગામોનાં લોકો એલર્ટ
અંકલેશ્વર તા.9 સપ્ટેમ્બર 2019 સાેમવાર
નર્મદા જિલ્લાનાં કેવડીયા ખાતેના સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૃચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદામાં પાણીની સપાટી ૨૪ ફુટે પહોંચી હતી, જેના કારણે અંકલેશ્વરના નદી કિનારે વસેલા 13 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા ડેમમાંથી અંદાજીત 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૃચ નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે, સોમવારની બપોર સુધીમાં નર્મદાના પાણીએ ૨૪ ફુટની ભયજનક સપાટી વટાવી હતી અને સાંજ સુધીમાં જળસ્તર 29 ફુટ આંબે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
અંકલેશ્વરના નર્મદા નદીના કિનારે વસેલા 13 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરાએ જણાવ્યું હતું કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે વધુમાં અંકલેશ્વરના નદી કિનારે વસેલા સરફુદ્દીન, ખાલપીયા, જુના બોરભાઠા બેટ, જુના કાંસીયા, જુના છાપરા સહિતના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, અને જરૂર પડે એસડીઆરએફની ટીમની મદદ લેવાની પણ તૈયારી તેઓએ દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા નદી મોસમમાં સતત ચોથી વખત બંને કાંઠે વહેતી થઇ હતી.