ભરૂચ: જિલ્લામાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે જિલ્લામાં 45 હજાર હેક્ટરથી વધુ શિયાળુ વાવેતર અને ઉત્પાદીત ખેત પેદાશોને નુકસાનની ભીતિ છે.આથી ખેડૂતોને અગમચેતીના પગલા લેવા અને પાક સંરક્ષણ અને ઉત્પાદિત ખેત પેદાશો માટે સંરક્ષણના પગલા લેવા જણાવાયું છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સાઇક્લોન સરક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટબન્સ એમ 3 કારણના કારણે શિયાળામાં ચોમાસુ બેઠુ છે. 1 થી 3 ડિસેમ્બર સુધી જિલ્લામાં વરસાદી ઝાપટા થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મંગળવારે રાતથી જ જિલ્લામાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે દિવસ ભર વાદળછાયું વાતાવરણ છવાઇ રહેવાના કારણે કાતિલ ઠંડી વર્તાઈ રહી છે. જિલ્લામાં વાતાવરણની વાત કરીએ તો હવાનું દબાણ તા.30ના રોજ 1012 મીલીબર બારોમીટર પર નોંધાયુ હતું. જ્યારે તા.1ના રોજ 1015 અને ગુરૂવારે 1014 રહ્યું હતું. આમ હવાના દબાણમાં ફેરફાર જણાયો હતો. જ્યારે હવાની ગતિ તા.30ની સરખામણીએ આજે રોજ 7 કિમી જેટલો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 30 તારીખે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 36 ટકા હતું. જેમાં આજ સુધી 60 ટકા વધારો થયો છે. આજે જિલ્લામાં ભેજનું પ્રમાણ 96 ટકા નોંધાયુ છે.
જિલ્લામાં 46 હજાર હેક્ટરથી વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરાયુ છે. તેને નુકસાની થવાનો ભય છે. અગાઉ ચોમાસુ પાકમાં ખેડૂતોને પહેલા બિલકુલ ઓછો વરસાદ ત્યારબાદ અતિવૃષ્ટિને લઇ ચોમાસુ પાક બગડ્યો છે. ત્યાં ભરશિયાળે ચોમાસુ વાતાવરણે શિયાળુ પાકને પણ નુકસાની પહોંચવાની ભીતિ છે.
જિલ્લામાં છેલ્લા સાત દિવસનું તાપમાન સેલ્સિયસમાં
| તારીખ | લઘુત્તમ | મહત્તમ |
| 26-11-2021 | 21 | 31 |
| 27-11-2021 | 32 | 34 |
| 28-11-2021 | 31 | 34 |
| 29-11-2021 | 23 | 32 |
| 30-11-2021 | 24 | 32 |
| 1-12-2021 | 20 | 23 |
| 2-12-2021 | 18 | 18 |
શુક્રવાર બપોર પછી વાતાવરણ સ્થિર થાય તેવી સંભાવના
ભરૂચ: ખેડૂતોએ ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો જરૂરી છે. ખેતપેદાશને તાડપત્રી ઢાંકીને રાખવુ વધારે હિતાવહ છે. આ બે ત્રણ દિવસ જો ખેડુતો પોતાની ખેતપેદાશો વેચવાનું ટાળે એ તેમના માટે વધુ ફાયદાકારક છે. શિયાળુ ઊભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત આપવુ ટાળવું, શુક્રવાર બપોર પછી ધીરે ધીરે વાતાવરણ સ્થિર થાય અને વરસાદ બંધ થાય તેવી સંભાવના છે.

