મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી તેજસ ટ્રેનને ભરૂચમાં સ્ટોપેજ અપાયું
-લખનૌ-દિલ્હી બાદ 17 જાન્યુઆરીથી દેશની બીજી ખાનગી ટ્રેન દોડતી થશે
ભરૂચ તા.29 ડિસેમ્બર 2019 રવીવાર
દેશની બીજી ખાનગી તેજસ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડાવાશે. તેનું સંચાલન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન કરશે. મુંબઇ- અમદાવાદ વચ્ચે તેજસની શરૃઆત ૧૭ જાન્યુઆરી 20 થી થશે. તે ગુરૃવાર સિવાય બાકીના છ દિવસ દોડતી રહેશે. લખનૌ અને દિલ્હી વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
વિશ્વસ્તરીય સુવિધા સાથે દોડતી આ ટ્રેન મોડી પડવા પર પ્રવાસીઓને વળતર આપવાની પણ જોગવાઇ છે. જેનું ભરૃચમાં સ્ટોપ અપાતા હવે ભરૃચવાસીઓ પણ આ ટ્રેનની સફરનો આનંદ માણી શકશે.
નવી તેજસ એક્સપ્રેસમાં 18 કોચ હશે. જોકે શરૃઆતમાં 12 કોચ વાળી ટ્રેન ચલાવવામાં આવશે જેમાં બાદમાં ઉમેરો કરવામાં આવશે. અધિકારીઓએ દાવો કર્યો છે કે ટ્રેનમાં પ્રવાસીઓને વર્લ્ડકલાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંપૂર્ણ રીતે એર કન્ડિશન્ડ આ ટ્રેનમાં પ્રવાસીઓ ચેર કાર અને એક્ઝીક્યુટિવ ચેર કાર શ્રેણીમાં પ્રવાસ કરી શકશે. કોચની સીટોને આરામદાયક બનાવવામાં આવી છે.
બીજી તરફ સ્લાઇડિંગ કોચ ડોર, ઓટોમેટિક એન્ટ્રી એન્ડ એક્ઝિટ ડોર, પર્સનલ રીડિંગ લાઇ, મોબાઇલ ચાર્જિગ પોંઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન અને બાયો ટોયલેટ મોજુદ રહેશે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.
આગામી 17 મી જાન્યુઆરી 20 થી શરૂ થનાર નવી તેજ ટ્રેનને મુંબઇથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદથી ઉપડીને આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૃચ, સુરત, વાપી અને બોરીવલીમાં રોકાણ કરીને મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. ત્યાંથી પાછા ફરતી વખતે પણ આ સ્ટેશનો પર સ્ટોપ રહેશે.