પાનોલીની રેમિક કેમિકલમાં સફ્લયુરિક ગેસનું ગળતર
-રો મટીરીયલ ચાર્જ કરતી વખતે સર્જાયેલી ઘટના
અંક્લેશ્વર તા.29 મે 2019 બુધવાર
પાનોલી જીઆઇડીસીની રેમીક કેમિકલ્સ પ્રા.લી. માં સલ્ફયુરિક એસિડની ટેન્કનો વાલ્વ લીકેજ થતા દોડધામ મચી ગઇ હતી. ગેસ ગળતરના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.
પાનોલી ઔદ્યોગિક વસાહતનાં પ્લોટ નંબર ૩૧૦૯, ૩૧૧૦ ખાતેની રેમિક કેમિકલ્સ પ્રા.લી. માં રો મટીરીયલ ચાર્જ કરતી વખતે સલ્ફયુરિક એસિડ ટેન્કમાંથી નીકળતું નહોતુ, તેથી ઓપરેટર દ્વારા લાકડા વડે વાલ્વની જગ્યા પર મારતાા અચાનક ટેન્કરની ફ્લેન્ચની ગાસ્કેટ છટકી ગઇ હતી. જેના કારણે ગેસનો રિસાવ શરૃ થઇ ગયો હતો.
સર્જાયેલી ઘટનાનાં પગલે સલ્ફયુરિકટ એસિડ કંપની બહાર વરસાદી કાંસમાં પ્રસરી ગયુ હતું. જેના કારણે આસપાસના ઉદ્યોગો તેમજ સ્થાનિકોને ગેસની અસર થતા શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ પાનોલી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળ પર દોડી આવીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.