ઝઘડિયા GIDCની જાહેરમાં પ્રદુષણના મુદ્દે સીકા કંપનીને કલોઝર નોટિસ ફટકારાઇ
- પર્યાવરણને નુકસાન કરવા બદલ કંપનીના વીજળી, પાણી, ડ્રેનેજના જોડાણો કાપી નાખવાનો જીપીસીબીએ હુકમ
ઝઘડિયા, તા. 25 જુલાઇ 2019, ગરૂવાર
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી સીકા કંપનીના સંચાલકો દ્વારા તેની પ્રિમાઇસિસમાં કંપનીનો સંગ્રહ કરેલા કેમિકલ વેસ્ટ ખાડા ખોદી દબાવી દેતા ઝડપાઇ ગયા હતા.
કંપની સંચાલકોના ધમપછાડા બાદ પણ જીપીસીબી દ્વારા તેની સામે કાર્યવાહી કરી કંપનીને કલોઝર નોટિસ ફટકારી છે. જીપીસીબી દ્વારા કંપનીના વીજળી, પાણી અને ડ્રેનેજ જોડાણો તાત્કાલિક અસરથી કાપી નાખવાનો હુકમ કર્યો છે. ઝઘડિયા જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોના પ્રદુષણ ફેલાવતા ફડાટ ફેલાયો છે.
ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ ન.૯૧૬ માં સીકા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે. કંપની દ્વારા કંટ્રક્શનને લગતું એડહેસીવ ઉપરાંત અન્ય વસ્તુનું ઉત્પાદન કરાય છે. કંપની દ્વારા તેના ઉત્પાદન દરમિયાન નીકળતા કેમિકલ વેસ્ટને કંપનીની હદમાં જ ખાડો ખોદી દબાવી દેવામાં આવતું હતું. અંકલેશ્વરની પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા સીકા કંપનીના ગેરવહીવટને ખુલ્લો પડયો હતો. કંપની દ્વારા મોટા પાયે ભૂતકાળમાં પણ આવું નુકસાનકારક કેમિકલ વેસ્ટ જમીનમાં દબાવી દેવામાં આવ્યું હોવાની શંકાએ જીપીસીબી દ્વારા કંપનીમાં જેસીબીથી ખોદકામ કરાવ્યું હતું. તેમાં પણ જમીનમાંથી દબાવેલું વેસ્ટ નીકળું હતું.
કંપની સંચાલકોએ યોગ્ય જવાબ નહીં આપતા જીપીસીબી દ્વારા તેની સામે કડક કાર્યવહી હાથ ધરી હતી. કંપનીને તેના કૃત્ય બદલ ક્લોઝર નોટિસ ફટકારાઇ છે. કંપનીના વીજળી, પાણી, ડ્રેનેજના જોડાણ તાત્કાલિક અસરથી કાપી નાખવાનો હુકમ કરાયો છે. જીપીસીબીના કડક વલણથી ઝઘડિયા ઔદ્યોગિક એકમોના પ્રદુષણ ફેલાવતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.