શુકલતીર્થ- કબીરવડ- મંગલેશ્વર અને અંગારેશ્વરના ડચકાં ખાતા મહત્વકાંક્ષી પ્રવાસન પ્રોજેકટો
નેત્રંગ તા.17 જાન્યુઆરી 2020 શુક્રવાર
શુકલતીર્થ કબરવડ- મંગલેશ્વર અને અંગારેશ્વર મેઘા પ્રવાસન વિકાસ પ્રોજેકટ કાચબાની ગતિ કરતા પણ મંથરગતિએ રહેતા પ્રજામાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.બીજી તરફ ગતિશીલ ગુજરાતની વાત કરનાર સરકારના રાજમાં ઐતિહાસિક - પૌરાણિક તીર્થધામોના વિકાસના કામો મંદગતિ જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિકરણનો વિસ્તાર થઈ રહ્યો છે. તેની સામે નાગરિકોને બે ઘડી આનંદ પ્રમોદ અને મનોરંજન સાથે ઐતીહાસિક પૌરાણિક પ્રવાસનના સ્થળોનાં વિકાસ હેઠળ સ્થાનિક સ્તરે રોજગારી અને યાત્રિકોને પ્રાથમિક સગવડો આનંદ પ્રમોદ મનોરંજનના સંશોધનો નદીમાં બોટિંગ , સ્નાન ઘાટ વિગેરે જેવી સવલો પ્રાપ્ત થાય એવો આશયથી તેના વિકાસ માટે પ્રયત્ને હાથ ધરાયા છે.
પરંતુ વર્ષ ૨૦૧૧માં તત્કાલિન સરકારમાં કબીરવડ ખાતે શુકલતીર્થ કબીરવડ મંગલેશ્વરને અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેકટ માટે સુબોધકાંત સહાયની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત પણ કરવામાં આવેલ હતુ. ત્યારબાદ સદર પ્રોજેકટ અંગે કોઈ રસ નહી દાખવતા અને પડતર રહેતા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સદર પ્રોજેક્ટને કેટલાક વરસો બાદ નવો ઓપ આપીને એક વરસથી વિકાસની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી છે. પરંતુ તેમા પણ ગતિ ક્યારે આવશે અને સદર પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે? અને યાત્રાળુઓ, પ્રવાસીઓને સવલતો ક્યારે પ્રાપ્ત થશે તેમજ રોજગાર વાચ્છુઓને રોજગારી ક્યારે મળશે તે એક સવાલ જે તે પ્રવાસન હેઠળ આવરી લેવામાં આવેલા ગામના નાગરિકોમાં અને ખાસ તો ભરૃચ જીલ્લાના નાગરિકોમાં ઉઠવા પામ્યો છે.
ઐતિહાસિક- પૌરાણિક પ્રવાસનના સ્થળોની મુલાકાત અંતર્ગત સ્થાનિક લોકોને રોજગારીનું સંશાધન ઉપલબ્ધ થાય તેમજ સાંસ્કૃતિક ઘરોહળ જળવાઇ રહે તેવા શુભ આશયથી રાજ્યના પ્રવાસન વિકસાવવાની યોજના અન્વયે નાણાંકીય ફાળવણી થતી જ રહે છે, પરંતુ કબીરવડ ખાતે શુક્લતીર્થ - કબીરવડ- મગલેશ્વર અને અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ બાબતે જે પ્રકારે વર્તમાન સરકાર તરફથી ધમાકેદાર શરૃઆત અને ઘોષણા કરવામાં આવી તેમા ંપણ કોઇ ભલીવાર ન આવતા પ્રવાસન પ્રોજેક્ટો કેમ અધૂરા રહ્યા છે તે એક જાગૃત નાગરિકોમાં ચર્ચાતો વિષય છે.
વર્ષો પહેલા કબીરવડ ખાતે રાજ્ય દેશ તેમજ વિદેશમાંથી યાત્રિકો, સહેલાણીઓ આવતા અને તેમને રાત્રિ રોકાણ કરવા માટે રાજ્યના પ્રવાસન વિમાન દ્વારા વિહારધામ એટલે કે હોલીડે હોમ શુક્લતીર્થ ખાતે બનાવવામાં આવેલ હતું. જે કેટલાક સમયે ગુજરાત સરકારના સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન ને આપી દેવામાં આવતા તેમાં પણ કોઇ વિકાસની યોજના બની નથી. વરસો પહેલા શુક્લતીર્થ યાત્રા સ્થળ અને વિહાર ધામમાં સાવન કો આને દો ફિલ્મનું શુટીંગ પણ ઉતારવામાં આવેલ હતું તે પણ લોકો વાગોળી રહ્યા છે.
તેમજ ગૌરીવ્રત હોય કે અન્ય તહેવારો નિમિત્તે પણ મહિલાઓ અને બાળકોને હરવા-ફરવા મનોરંજન માટેનું એક નેત્ર ઉપલબ્ધહતું. તે પણ છીનવાઇ ગયું. આમ શુક્લતીર્થ - કબીરવડ- યાત્રિકોને, શૈક્ષણિક પ્રવાસે આવતા બાળકોને રાત્રિ રોકાણ, રહેવા માટેની અને રોજગારીનું સંશાધન ઊપલબ્ધ હતું તે પણ ઝુંટવાઇ ગયું છે.
એક સમયે ભરૂચ એસ.ટી. વિભાગની બસોમાં પણ યાત્રિકો ભરૃચ તેમજ આસપાસના ગામોમાં અને શહેરોમાંથી કબીરવડ પ્રવાસે આવતા હતા. તેમાં છેલ્લા પાંચ-સાત વરસથી નદીમાં પાણી ઘટતા પ્રવાસીઓની સંખ્યામાં ખુબ મોટા પ્રમાણમાં ઘટાડો નોધાયો છે. જેની ભરૃચ એસટી વિભાગની આવકમાં અને સ્થાનિક રોજગારી ઉપર પણ અસર થવા પામી છે.
એક સમય એવો હતો કે યાત્રાળુઓની અવર જવરને ધ્યાને લઇને પણ ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ કબીરવ તરફના રાજ્ય ધોરીમાર્ગનું કાર્પેટિગ અને સમારકામ થતુ રહેલુ પરંતુ નદીના પટમાંથી કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય ખુબ મોટા પ્રમાણમાં 10-12 પૈડાવાળા કે જે રાજ્ય ધોરીમાર્ગ તેનો ભાર ખમી ના શકે તેવા હાઇવા, ડમ્પર, ટ્રકો જેવા ભારદારી વાહનો દ્વારા દિવસ-રાત રેતીનું વહન થઇ રહ્યુ હોવા છતાં પણ ઝાડેશ્વર ચોકડીથી ઝનોર તરફના રસ્તાનું ડામર કાર્પેટિગ કે મરામત કરવામાં નહિ આવતા માર્ગ સલામતીના પ્રશ્નો નાના વાહન ચાલકોને ભય, દહેશત સાથે સતાવી રહ્યા છે.
જનતા આજે પણ એવુ કહી રહી છે કે ચુંટણી આવશે ત્યારે જ વિકાસના કામોથી આંજી દઇને મતબેંક ઉભી કરવાના કારણે રાજકીય પક્ષો દ્વારા રચાશે કે શું ? વિકાસના કામોની ઘોષણા પછી ઘણા સમયથી પડતર રહેતી ઐતિહાસિક પૌરાણિક તીર્થધામોને જોડતી શુકલતીર્થ કબીરવડ - મંગલેશ્વર અને અંગારેશ્વર મેગા પ્રવાસન વિકાસ પ્રોજેકટની યોજના માત્ર ટકાવારીનુ સાધન ચુંટણીલક્ષી ન બની રહેતા તેમજ યાત્રિકો સાથે છેતરપિંડી ન બને તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પ્રભારીમંત્રી અને સચિવસ્તરના અધિકારીઓ, પદાધિકારીઓ જિલ્લા સંકલન કે ભરૃચ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિનું ધ્યાન દોરે તે જરૂરી છે.
વર્ષો પહેલા જે રાજ્ય ધોરીમાર્ગ (ઝાડેશ્વર ચોકડીથી ઝનોર) હળવા વાહનો માટે બનાવવામાં આવેલ હતો. પરંતુ જ્યારથી રેતીખનન માટે નર્મદા કાંઠાના ગામોમાં રેતીની લીઝોની ફાળવણી કરવામાં આવતા છેલ્લા 30 વર્ષથી ભારેખમ ટ્રકો, હાઇવા જેવા ભારદારી વાહનો સ્ટેટ હાઇવેની કેટેગરી ન હોવાથી સદર રસ્તો અનેક જગ્યાથી દબાઇ ગયેલો અને વારંવાર સમારકામ કરવા છતાં તે બિસ્માર હાલતમાં થતો રહે છે.