ભરૂચમાં ઉષ્ણતામાન 10 ડિગ્રીએ ગગડતા તીવ્ર શીત લહર ફરી વળી
-જનજીવન કાતિલ ઠંડીથી પ્રભાવિત થતાં રસ્તા સૂમસામ
ભરૂચ તા.16 જાન્યુઆરી 2020 ગુરૂવાર
ઉત્તરાયણ પર્વમાં વેગીલા પવન સાથે ઉષ્ણતામાનનો પારો વાસી ઉતરાયણની સાજથી પુનઃ વધુ ગગડતા 10 ડીગ્રીએ પહોંચતા મોસમનો સૌથી ઠંડો દિવસ ગુરૃવાર રહ્યો હતો.
ઉત્તરાયણ દરમિયાન પવનનું જોર રહ્યા બાદ તેમાં ઘટાડો થવા સાથે વાદળ છાયા વાતાવરણથી ઠંડી માફકસરની રહીહતી. પરંતુ વાસી ઉત્તરાયણની બપોરે બાદ વાદળો ફાટવા સાથે જ ઠંડીનો ચમકારો બુધવાર બપોર બાદ વર્તાવા લાગી હતી. મોડી રાત્રિ દરમ્યાન વેગીલા બર્ફીલા પવન વધુ કાતિલ બની રહ્યા હતા. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે પારો વધુને વધુ નીચે ઉતરતાં ભરૂચ શહેર અને જીલ્લામાં શીતલહેરની તીવ્ર અસર વર્તાઇ રહી હતી.
ભરૃચમાં લઘુત્તમ ઉષ્ણતામાન 10 ડીગ્રી નોંદાતાં આ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તો ગુરૃતમ ઉષ્ણતામાન પણ 30 ડીગ્રીની અંદર ઉતરી જઇ 26 ડીગ્રી નોંધાયું હતું. પવન પણ 10 કરતા વધુ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતા સવાર અને સાંજ વધુ ઠંડી રહેતાં લોકોની અવર જવર નહિવત જોવા મળતી હતી.
લોકો પણ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા હતા.હજુ એકાદ બેદિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.