અંકલેશ્વર અમરાવતી નદીમાં જળચર જીવોનાં મોતને મામલે સી પમ્પિંગ સ્ટેશન કસૂરવાર
-જીપીસીબી એ ફટકારી નોટીફાઇડ ઓથોરિટીને નોટીસ
અંક્લેશ્વર, તા. 25 જુલાઇ 2019, ગરૂવાર
અંકલેશ્વરની અમરાવતી નદીનાં પાણી પ્રદુષિત થતા જળચર જીવો મોતને ભેટયા હતા .જે ઘટનામાં કસૂરવાર જીઆઇડીસીનાં સી પમ્પીંગ સ્ટેશનને જીપીસીબીએ ક્લોઝર નોટીશ ફટકારીને દંડાત્મક કાર્યવાહી કરી હતી.
ગત તારીખ ૧૪ .૭. ૧૯ નાં રોજ અમરાવતી નદી ( ખાડી ) નાં પાણીમાં લાલ કલરનું કેમિકલયુક્ત પાણી ફરી વળતા જળચર પ્રાણીઓનાં મૃત્યુ થયા હતા. અંદાજીત ૧૦ થી ૧૨ કિલો જેવુ વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓ પણ પ્રદુષિત પાણીને કારણે મૃત્યુ થયા હતા. આ પ્રદુષિત પાણીની તપાસ અને કાર્યવાહી જીપીસીબીએ કરતા અંકલેશ્વર જીઆઇડીસીનાં સી પમ્પીંગ સ્ટેશનને અમરાવતી નદીને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર માની નોટીફાઈડ ઓથોરિટી સામે દંડની અને પમ્પીંગ સ્ટેશનને ૧૫ દિવસની કલોઝર નોટીશ ફટકારાઇ છે.
વરસાદી માહોલમાં સી પમ્પીંગ સ્ટેશનને ૧૫ દિવસ માટે ક્લોઝર આપવામાં આવતા પ્રદુષણ ઘટવાને બદલે વધવાની સંભાવનાઓ રહેલી છે કારણ કે જે પાણી વરસાદી ગટરમાં વહેતુ હોય છે. તેને પમ્પીંગ કરીને સી પમ્પીંગ સ્ટેશનમાં પમ્પ કરવામાં આવે છે , જ્યારે સી પમ્પીંગ સ્ટેશન જ બંધ રહેશે તો ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરનું પાણી સીધે સીધુ નદી નાળાઓમાં વહી જશે અને પ્રદુષણ ઘટવાને બદલે વધવાની શક્યતાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.