નર્મદા ડેમની જળ સપાટી વધીને 134.85 મીટરે પહોંચી, 23 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાશે
- ઉપરવાસના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે
રાજપીપળા, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવાર
ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 134.85 મીટરે પહોંચી છે. ડેમમાં 2,30,639 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે.
નર્મદા ડેમની જળ સપાટી વધીને 134.85 મીટરે પહોંચી, 23 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાશે#SardarSarovarNarmadaDam #NarmadaDam #NarmadaRiver #GujaratMonsoon2022 pic.twitter.com/pcf3xpeF9V
— Gujarat Samachar (@gujratsamachar) August 16, 2022
નર્મદા ડેમના 23 દરવાજા 2.25 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે. રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઈનથી વીજળી ઉત્પન્ન કરીને 44,638 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 3,94,638 ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,179 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4564.5 mcm જોવા મળ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.