સી ડીવીઝન પોલીસ બની તારણહાર, મહિલાને આપઘાત કરતાં રોકી
મહિલા નર્મદા મૈયા પુલ પર આત્મહત્યા કરવા ગઈ હતી
ભરૂચ: સુસાઈડ પોઈન્ટ બનેલા નર્મદા મૈયા પુલ પરથી વધુ એક આપઘાતનો બનાવ ટળ્યો છે. સુસાઈડ કરવા પહોંચેલી મહિલાને સ્થાનિક લોકોએ રોકી હતી. થોડી મીનિટોમાં સી ડીવીઝન પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે તેને સમજાવી આત્મહત્યા કરવા રોકી હતી.
આજે બપોરના સમયે ભરૂચ- અંકલેશ્વરને જોડતા નર્મદા મેૈયા પુલ પર મહિલા મોતની છલાંગ લગાવવા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તેને રોકી હતી. લોકોએ તુરંત જ સ્થાનિક ધારાસભ્યને ફોન કરી ઘટના વિશે જાણકારી આપી હતી. ધારાસભ્યે સી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલીક પુલ પર પહોંચી ગઈ હતી. મહિલા પોલીસ અને અન્ય પોલીસ જવાનોએ તેને સમજાવી હતી. જીવનથી કંટાળેલી આ મહિલા જીવનનું મહત્વ સમજતા તેણે ઘરે પરત ફરવાનું કહ્યુ હતું. આમ પ્રથમ સ્થાનિક રહીશો, બાદમાં ધારાસભ્ય અને પોલીસને સતર્કતાના કારણે નર્મદા મૈયા પુલ પર વધુ એક આત્મહત્યાનો બનાવ બનતા અટકી ગયો હતો અને મહિલાનો જીવ બચી ગયો હતો.