FOLLOW US

ભરૂચઃ યાકુબ પટેલ અને તેમની પુત્રીની વાત સાંભળી PM મોદી થયા ભાવુક, છલકાઈ ઉઠી આંખો

Updated: May 12th, 2022


ભરૂચ, તા. 12 મે 2022

ભરૂચમાં રાજ્ય સરકારની મુખ્ય 4 યોજનાઓનો 100 ટકા ટાર્ગેટ પૂરો થવા બદલ ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો.

જેને પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી સંબોધન કર્યુ હતુ. આ યોજનાઓના લાભાર્થી પૈકીના એક યાકૂબ પટેલ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા.

યાકુબ પટેલે કહ્યુ હતુ કે, હું સાઉદી અરબમાં હતો ત્યારે આંખમાં નાંખેલા ડ્રોપની સાઈડ ઈફેક્ટથી દ્રષ્ટિ જતી રહી હતી.

પીએમ મોદીને યાકુબે કહ્યુ હતુ કે, મારી ત્રણ દીકરીઓ છે. એક ધો. 12, બીજી ધો. 8 અને અન્ય એક દીકરી ધો. 1માં ભણે છે. એક દીકરીને આરટીઈમાં પ્રવેશ મલી ગયો છે અને બાકીની બે દીકરીઓને સ્કોલરશિપ મળી રહી છે. મોટી દીકરીનુ રિઝલ્ટ આવ્યુ છે અને તેને 80 ટકા માર્કસ મળ્યા છે.

પીએમ મોદીએ આ સાંભળીને કહ્યુ હતુ કે, વાહ ...હવે તે શું કરવા માંગે છે ...ત્યારે યાકુબની મોટી પુત્રીએ પીએમ મોદી સાથે વાત કરતા કહ્યુ હતુ કે, મારુ નામ આલિયા છે અને મારા પિતા જે પ્રકારની મુશ્કેલી સામે ઝઝુમી રહ્યા છે તેના કારણે હું ડોકટર બનવા માંગુ છું. આટલુ કહેતા જ આલિયા રડી પડી હતી.

આ જોઈને પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેઓ કહેવા જઈ રહ્યા હતા કે, દીકરીઓ હોય તો આવી હોય..પણ તેમની આંખો છલકી ઉઠી હતી અને ગળુ રુંધાયુ હતુ અને તેઓ આગળ બોલી શક્યા નહોતા.

થોડી ક્ષણો બાદ પીએમ મોદીએ આલિયાને કહ્યુ હતુ કે, બેટા તારી સંવેદના જ તારી તાકાત છે...

પીએમ મોદીએ પૂછ્યુ હતુ કે, ઈદ અને રમઝાન કેવા ગયા? ત્યારે યાકૂબે કહ્યુ હતુ કે સારૂં રહ્યુ હતુ... પીએમ મોદીએ યાકુબ પટેલને કહ્યુ હતુ કે, દીકરીઓનુ સપનુ પુરૂ કરજો અને કોઈ પણ મુશ્કેલી હોય તો મને કહેજો... હું તમને અને તમારી દીકરીઓને અભિનંદન આપુ છું..

Gujarat
News
News
News
Magazines