ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ પાસે દીપડો મૃત હાલતમાં મળ્યો
-ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણનું થયું હોવાનું પ્રાથમિક તારણ
ઝઘડિયા તા.22 જાન્યુઆરી 2020 બુધવાર
ઝઘડિયાના ગુમાનદેવ પાસેની આત્મીય સ્કૂલના વિસ્તારમાંથી એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મૃત્યુ થયુ હોવાનું અનુમાન છે. થોડા દિવસો અગાઉ દીપડાને પકડવા પીંજરું મૂક્યુ હતું .તેનાથી થોડે દૂર જ દીપડો મૃત હાલતમાં મળી આવતા તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
છેલ્લા કેટલા સમયથી ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર તેમજ સરદાર પ્રતિમા રોડની ઉપરના વિસ્તારમાં દીપડાનો ખુબ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ખાસ કરી મધરાત ખેતરોમાં સિંચાઈ માટે જતા ખેડૂતો, ખેતમજુરોમાં ભયનો જાવો મળી રહ્યો છે. વન વિભાગે કેટલાક સ્થળોએ પીંજારા મૂકી દીપડાઓને પકડી દૂર જંગલમાં છોડી આવ્યા છે પરંતુ તેનો ભય હજી યથાવત છે. ખેડૂતોની દીપડો દેખાવાની ફરિયાદના આધારે ઝઘડિયા વન વિભાગ દ્વારા ઝઘડિયાના ગુમાનદેવ પાસેની આત્મીય સ્કૂલના પાછળના વિસ્તારમાં દીપડાને પકડવા પીંજર મૂક્યું હતું.
આજરોજ વહેલી સવારે વન વિભાગને માહિતી મળી હતી કે તે પીંજરાની પાસે એક દીપડો મૃત હાલતમાં પડયો છે. ઝઘડિયા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના વાળી જગ્યાએ પહોંચ્યા હતા. પિંજારાથી થોડે દૂર દીપડો મૃત હાલતમાં પડયો હતો. મરણ ગયેલો દીપડાની ઉમર આશરે અઢી વર્ષની હોવાનું અનુમાન છે .તેની લંબાઈ 5 ફૂટ જેટલી છે.
દીપડાના મરણ બાબતે ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાથેની ટેલિફોનિક વાતમાં તેમને જણાવ્યું હતું કે કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણનું થયું હોવાનું પ્રાથમિક તારણ છે.વધુ સ્પષ્ટતા તેના પોસ્ટમોર્ટમ તેના વિસેરો લેબોરેટરીમાં મોકલ્યા બાદ જાણી શકાશે. દીપડાના મરણ જવા બાબતે વન વિભાગે તપાસ હાથ ધરી છે .