ડેમના 15 દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 22 ફૂટે પહોંચી
-ભરૂચ - અંકલેશ્વરના નદી કાંઠાનાં ગામોને એલર્ટ કરાયા
અંક્લેશ્વર તા.26 ઓગષ્ટ 2019 સાેમવાર
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતાં રૃલ લેવલ જાળવવા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૨૨ ફૂટ થઇ છે.જે ભયજનક સપાટીથી 2 ફૂટ દૂર છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદનાં પગલે તવા સહિતનાં ડેમો માંથી છોડાઇ રહેલા પાણીનાં પગલે કેવડીયા ખાતે આવેલો નર્મદા ડેમ 133.70 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. ડેમનું રૃલ લેવલ જાળવવા માટે ૧૫ દરવાજા ખોલી 3.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા ભરૃચનાં ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 22 ફૂટે પહોંચી છે.
ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. નદીના વધી રહેલા જળસ્તરના કારણે અંક્લેશ્વરનાં કાંઠા વિસ્તારનાં 13 ગામોને સાબદા રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. નર્મદા નદીમાં વરસાદની મોસમમાં નવા પાણીની આવક થતા નદી જીવંત બની હતી . બંને કાંઠે વહેતી થઈ હતી.