કરજણ ડેમમાંથી ૭પહજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદામાં નવા નીર આવ્યા
-છ વર્ષે નર્મદા નદી બે કાંઠે લોકોમાં ખુશીની લહેર
ભરૂચ તા.5 ઓગષ્ટ 2019 સાેમવાર
ઉપરવાસમાં ભારે વરસાદ અને કરજણ ડેમમાંથી અત્યાર સુધીમાં ૭પ હજાર કયુસેક પાણી છોડાતા ભરૃચમાં છ વર્ષ બાદ નર્મદા નદી બે કાંઠે થતા ખેડૂતો અને માછીમારો સહિત લોકોમાં ખુશી જોવા મળી છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ૧૩૮ કરાયા બાદ છ વર્ષમાં એકપણ વખત ડેમ ઓવરફ્લો થયો નથી કે ડેમમાંથી પાણી છોડાયું નથી.નર્મદા નદી સુકીભઠ્ઠ બની હતી.નદીના બંને કિનારાના જળ, જમીન અને જીવસૃષ્ટિ ઉપર ખતરાના વાદળો ઘેરાયા હતા. છ વર્ષ બાદ પહેલી વખત નર્મદા નદી ભરૃચમાં બે કાંઠે થતા લોકોએ નર્મદાના નીરને વધાવ્યા છે.
આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાના અધાણ હતા. બધા જ વર્તારાઓને વટાવી મેઘરાજાએ મહેર કરી છે. ગુજરાતના ઉપરવાસમાં મેઘ વર્ષાના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. નદી, નાળા, ડેમ છલકાઈ ઉઠયા છે. નર્મદા નદીના કેચમેન્ટના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતા કરજણ સહિતના ડેમો છલકાયા છે. કરજણ ડેમમાંથી 75૦૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. ભારે વરસાદ અને કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે છ વર્ષ બાદ પહેલી વખત ભરૃચમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ભરૂચમાં નર્મદા નદીના સ્તર ૧૮ ફૂટે પહોંચ્યા છે. જે ૨૨ ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે.
ગુજરાતમાં નર્મદા ડેમની ઊંચાઇ ૧ર૧ મીટરથી વધારી ૧૩૮ મીટર કરાતા નર્મદા નદીનો મૃત્યુઘંટ વાગ્યો હતો. નર્મદા ડેમની ઊંચાઈ ૧૨૧ મીટરની હતી .ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતો અને નર્મદા નદી ભરૃચમાં બે કાંઠે વહેતી થતી હતી. ઊંચાઇ વધ્યા બાદ છેલ્લા છ ચોમાસામાં એક પણ વખત ડેમ ઓવર ફ્લો થયો નથી. નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવના પણ નથી.નર્મદા નદી સુકીભઠ્ઠ બની હતી.
પરિણામે ભરતી દરમિયાન દરિયાના ખારા પાણી નર્મદા નદીમાં ૬૦ કિલોમીટર સુધીઅંદર પ્રવેશી ચૂક્યા હતા. જેની ઘાતક અસરો ભરૃચ જિલ્લા પર ઉભી થઈ હતી. પરિણામે ભરૃચના લોકોએ નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે આંદોલનની શરૃઆત કરી હતી. ભરૂચની જનતાનો અંતર્નાદ સરકારે તો ન સાંભળ્યો પરંતુ મેઘરાજાએ સાંભળ્યો હોય તેમ તે મન મૂકીને વરસ્યા છે.ભરૃચની નર્મદા નદી બે કાંઠે થઈ છે. જેનાથી નર્મદા નદીના કિનારાના ગામોના જળાવ, જમીનમાં સુધારો આવવા સાથે માછીમારો માટે નર્મદા નદીના પાણી આશીર્વાદરૃપ બની રહેશે.
ચોમાસા દરમિયાન ભરૃચમાં જ્યાં નર્મદાના પાણી દરિયાને મળે છે, ત્યાં દરિયાની હિલ્સા સહિતની માછલીઓ પ્રજનન માટે આવે છે. આ સમયગાળો માછીમારો માટે ખૂબજ મહત્વનો હોય છે. હિલ્સા સહિતની માછલીઓની મચ્છીમારી કરી માછીમારો આખા વર્ષની આવક મેળવતા હોય છે. નર્મદા સુકીભઠ્ઠ બનતા અને ચોમાસું નબળું જતાં છેલ્લા પાંચ-છ વર્ષથી માછીમારોની આર્થિક સ્થિતિ કંગાળ બની હતી. પરંતુ આ વર્ષે નદી બે કાંઠે થતા માછીમારોને રોજગારીની આશા બંધાઈ છે.