માંડવા ગામે ગામતળની જમીન ઉપર દબાણો હટાવાયા
-પંચાયતી રાજનાં નીતિનિયમોનું ઉલ્લંઘન કરીને ડિમોલેશન કરવામાં આવ્યુ હોવાના આક્ષેપો
અંક્લેશ્વર તા.31 મે 2020 રવીવાર
અંકલેશ્વર તાલુકાનાં માંડવા ગામે વર્ષોથી ગામતળની જગ્યાએ ખેતી અને તબેલો બનાવનાર લોકોનાં દબાણો ગ્રામ પંચાયત દ્વારા હટાવામાં આવ્યા હતા.જે બાબતે હવે વિવાદ થયો છે. ગ્રામપંચાયતનાં સરપંચ અને સભ્યોએ સત્તાનો ખોટો દુરુપયોગ કરીને દબાણો હટાવ્યા હોવાનાં આક્ષેપો કર્યા છે.
અંકલેશ્વર તાલુકાનાં માંડવા ગામે જુના ગામ ની જગ્યામાં 1968- 1970 ની સાલમાં નર્મદા નદીમાં પૂર આવવાનાં કારણે કાંઠા વિસ્તારનાં ગામમાં તારાજી નિવારવા માટે સરકાર દ્વારા ગામનું સ્થાળાંતર કરી તે ગામ પુનઃ વસાવવા માં આવ્યુ હતુ.જેના કારણે જુના ગામની જમીન પર કેટલાક લોકો એ ગેરકાયદે દબાણ કરી ખેતી ,તબેલો જેવા દબાણો કરી 10 વીંઘાથી વધુ ગામતળની જગ્યા પર 20 વર્ષથી વધુ સમયથી દબાણ કરી લેવામાં આવ્યુ હતુ.
આ દબાણોને દૂર કરવા ગ્રામજનોએ માંગણી કરતા માંડવા ગ્રામ પંચાયતે ગ્રામસભામાં માંગણીને ધ્યાને લઇ સર્વસંમતિથી ઠરાવ પસાર કરી ગામની જગ્યા પર નાં દબાણ દૂર કર્યા હતા.
આ અંગે ડેપ્યુટી સરપંચે જણાવ્યુ હતુ કે દબાણકારોએ દબાણ કર્યું છે .જેમની ગામમાં કે ગામમાં એમની કોઈ મિલ્કત નથી અને છતાં પણ દબાણ કરેલ છે .ગ્રામસભામાં સર્વસંમતિથી અને દબાણકારોને નોટીસ આપી દબાણ દૂર કરવામાં આવ્યા છે .કોઈપણ મિલ્કત ધરાવતા ન હોય તેવા દબાણકારોનું દબાણ દૂર કરવામાં આવ્યુ છે.
આ અંગે સલીમ અક્બરભાઈ મોગલ રહેવાશી માંડવા બુઝર્ગ વકીલ દ્વારા ગ્રામપંચાયત સામે કાયદાકીય જંગની તૈયારી કરી છે તેઓએ જણાવ્યુ હતુ કે સરકાર નાં આદેશ અનુસાર જુના ગામની જમીન સરકારમાં નિહિત થયેલી છે અને સરકારી જમીનનું વહીવટ કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે.
પંચાયતને સરકારી જમીનનો વહીવટ કરવાની કોઈ સત્તા અધિકાર નથી.વધુમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે સરપંચ તરીકેનાં હોદ્દાનો દૂરુપયોગ કરી 27 મી મે 2020 નાં રોજ જમીનનાં પુરાવા બે દિવસમાં રજૂ કરવા જણાવીને તા.૩૦મી એ જેસીબી મશીનથી અને લોકટોળુ ભેગુ કરીને લોકડાઉનનો ભંગ કરીને દબાણ દૂર કર્યા છે. ભરૃચ જિલ્લા કલેકટરમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.