ભરૂચમાં મુકાયેલી કચરા પેટી છલકાતાં કચરો બાળી મુકાયો
-હોસ્ટેલ ગ્રાઉન્ડ પાછળ પાનમ પ્લાઝા નજીક કચરા પેટીમાં આગ
ભરૂચ તા.28 મે 2020 ગુરૂવાર
ભરૂચ નગર પાલિકાએ શહેરમાંથી કચરો એકઠો કરવા માટે દરેક વિસ્તારમાં કચરા પેટીઓ મુકી છે. કચરા પેટીઓ કચરાથી ભરાઇ જતા પાલિકા દ્વારા તેને ઉઠાવી નિયત કરેલ જગ્યાએ નિકાલ કરે છે. પરંતુ કેટલાક વિસ્તારમાં કચરાપેટીમાં જ કચરો સળગાવી દેવામાં આવે છે. જે જોતા પાલિકા તંત્રે કચરો ઉઠાવવાના સ્થાને સળગાવવાનો અભિગમ અપનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે.
પાલિકાએ હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળના ભાગમા પાનમ પ્લાઝા નજીક કચરાપેટી મુકી છે. આ કચરાપેટીમાં કચરો છલકાઇ જવા છતાં પાલિકાએ ઉઠાવી જવાની જહેમત ઉઠાવી નથી. જ્યારે કચરાપેટીના કચરામાં આગ લાગી હતી. એક સમયે લાગેલી આગથી કચરાપેટીની નજીક દીવાલો પર ઓફિસના એસીના આઉટરને આગ લપેટમાં લે તેવા સંજોગો ઉભા થયા હતા. તો બીજીબાજુ પાનમ પ્લાઝા પાછળની દીવાલ પણ ધુમાડાના કારણે કાળી પડી ગઇ હતી.
કચરાપેટીની નજીક લોકો પોતાના વાહનો પાર્ક કરે છે. કચરાપેટીમાં લાગેલી આગથી વાહનોમાં પણ આગ લાગવાની સંભાવના ઉભી થઇ હતી.
પાલિકાએ કચરાપેટીઓ ઉઠાવી લઇ કચરાનો નિકાલ કરવાનો રહે છે તેના સ્થાને કચરો સળગાવી દેવાતા સળગાવનાર સામે પાલિકા કાયદેસર કાર્યવાહી કરશે કે નહી તે જોવુ રહ્યુ. જ્યારે લોકચર્ચા મુજબ કચરો ઉઠાવી લઇ જવા કરતા કચરાપેટીમાં સળગાવી દેવાથી કચરો લઇ જનાર વાહનનો ડીઝલ પેટ્રોલના બચાવ થાય છે પણ તે પ્રક્રિયા લોકોને માથે જોખમ વધારી જાય છે. જેથી આવનાર સમયે કોઇ અઘટિત ઘટના ન બને તે માટે નગરપાલિકા પુરતુ ધ્યાન આપે તે જરૂરી થઇ પડયું છે.