ભરૂચ: નવા ધંતુરીયા ગામે ફોઈની હત્યા કરનાર ભત્રીજો ઝડપાયો
અંક્લેશ્વર તા.11 જાન્યુઆરી 2020 શનિવાર
અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે ૪૧ વર્ષીય ફોઈની તીક્ષ્ણ હત્યારા વડે હત્યા કરીને ફરાર થઇ ગયેલા ભત્રીજાને પોલીસે ગણતરીનાં કલાકોમાં જ દબોચી લીધો હતો.
અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે રહેતી 41 વર્ષીય વિધવા મહિલા અમીબેન દિલીપભાઈ જાદવનાં સગા ભત્રીજા પ્રવીણ ગોમાનભાઈ વસાવાએ તા.૯મીની રાત્રે ફોઈની હત્યા કરી હતી. પ્રવીણે ટાયર કાપવાનાં રાંપી વડે ફોઈ અમીબેનનાં ગળાનાં ભાગે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ અમીબેને ઘરમાં જ દમ તોડયો હતો. ઘટના બાદ હત્યારો પ્રવીણ ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફોઈની હત્યા કરનાર ભત્રીજા પ્રવીણની શોધખોળ શરૂ કરી હતી. ગણતરીનાં કલાકોમાં જ પોલીસે આરોપીને અંસાર માર્કેટ પાસેથી ઝડપી પાડયો હતો.