અંકલેશ્વર હાઈવે પર રંગોલી પાર્ક માર્કેટના ભંગારના પાંચ ગોડાઉનોમાં આગ
-પાનોલી નોટીફાઈડ , અંકલેશ્વર નગર પાલિકા તેમજ ખાનગી કંપની મળીને 7 જેટલા ફાયર ટેન્કરોને મદદે બોલાવાયા
અંક્લેશ્વર તા.11 ફેબ્રુઆરી 2020 મંગળવાર
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ નવજીવન હોટલ પાછળનાં રંગોલી પાર્ક સ્ક્રેપ માર્કેટમાં આંગનાં બનાવે તંત્રને દોડતું કરી દીધુ હતુ .એક ગોડાઉનમાં લાગેલી આગની લપેટમાં અન્ય ખુલ્લા ગોડાઉનો માં સંગ્રહ કરેલો સ્ક્રેપ આવી જતા ધુમાડાનાં ગોટેગોટા હવામાં ઉડયા હતા.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ હોટેલ નવજીવન પાછળ રંગોલી પાર્ક સ્ક્રેપ માર્કેટ આવેલુ છે, જેમાં તારીખ 11 મી ફેબ્આરી મંગળવાર બપોરનાં સમયે એક પ્લાસ્ટિક થર્મોકોલનાં ગોડાઉનમાં કોઈક કારણોસર આગ લાગી હતી , અને આ આગની લપેટમાં બાજુમાં જ આવેલ પાંચ ખુલ્લા સ્ક્રેપનાં ગોડાઉનો એક પછી એક સપડાય ગયા હતા , અને પ્લાસ્ટિક , થર્મોકોલ , ફાયબર સહિતનો મોટા પ્રમાણમાં સ્ક્રેપનો જથ્થો આગમાં બળીને સ્વાહા થઇ ગયો હતો.આગનાં વિકરાળ ધુમાડા લોકોએ દૂર દૂર થી નિહાળ્યા હતા.
ઘટના અંગેની જાણ અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા , અને આગને કાબુમાં લેવા માટેનાં પ્રયત્નો શરુ કર્યા હતા , જોકે આગ વધુ બેકાબુ બનતા પાનોલી નોટીફાઈડ , અંકલેશ્વર નગર પાલિકા તેમજ ખાનગી કંપની મળીને 7 ફાયર ટેન્ડરોને મદદે બોલાવવા માં આવ્યા હતા , ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા માં આવ્યો હતો.સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.બનાવ અંગે શહેર પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.