Updated: Jul 15th, 2022
- તપાસ માટે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિબાગ તથા જીપીસીબીની ટીમ પણ ત્યાં પહોંચી
ભરૂચ, તા. 15 જુલાઈ 2022, શુક્રવાર
ભરૂચના ઝગડિયા ખાતેની જીઆઈડીસીમાં આવેલી કર્લોન એન્ટરપ્રાઈઝ કંપની (Kurlon Enterprise L.)માં શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના પ્લાન્ટમાંથી અચાનક જ ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા અને ત્યાં હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી જીઆઈડીસી ઉપરાંત આસપાસની કંપનીઓના ફાયર ફાઈટર્સને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ વિભાગની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો શરૂ કરી દીધો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો આરંભ્યા હતા.
આગ લાગ્યા બાદ ત્યાં રહેલા કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા અને સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ નથી નોંધાઈ. જોકે કયા કારણથી આગ લાગી તે હજું પણ અસ્પષ્ટ જ છે. આગ હોનારતમાં ભારે મોટું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. વહેલી સવારે 08:00 વાગ્યા આસપાસ આગ લાગ્યા બાદ તે અંગેની તપાસ માટે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિબાગ તથા જીપીસીબીની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.
કંપનીનું ઘણું બધુ મટીરિયલ આગમાં હોમાઈ ગયું હોવાથી ઘણું મોટું નુકસાન થયું હોવાની શક્યતા જણાઈ રહી છે.