Gujarat

અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં સોલ્વન્ટનાં ગોડાઉનમાં ભીષણ આગ

By GS Team
19 May 20202 mins read
This article was originally published on 19 May 2020
અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં સોલ્વન્ટનાં ગોડાઉનમાં ભીષણ આગ

 અંક્લેશ્વર તા.19 મે 2020 મંગળવાર

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની કરમાતુર ચોકડી પાસે આવેલ એડ કેમ ઇન્ટરનેશનલનાં રિકવરી સોલ્વન્ટનાં ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ઉદ્યોગ આલમમાં દોડધામ મચી ગઈ હતી. 

  અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની કરમાતુર ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર સી -1-બી /7126  ખાતેનાં એડ કેમ ઇન્ટરનેશનલનાં ગોડાઉનમાં રિકવરી સોલ્વન્ટનો જથ્થો સંગ્રહ કર્યો હતો , જેમાં તા.19 મી મે મંગળવાર ની બપોરે અચાનક આગ લાગી હતી.ધુમાડાનાં ગોટેગોટા હવામાં ઉડતા આસપાસનાં ઉદ્યોગો તેમજ લોકોમાં દહેશતનો માહોલ છવાય ગયો હતો. 

ઘટના અંગેની જાણ અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી સેન્ટર ફાયર સ્ટેશનમાં  કરતા ફાયર ફાયટરો લાયબંબાની ચિચિયારીઓ સાથે દોડી ગયા હતા .આગને કાબુમાં લેવા માટેનાં પ્રયાસો શરુ કર્યા હતા.અંદાજીત 8 થી વધુ ફાયર ટેન્કરાેની  મદદથી  લાશ્કરોએ આગ પર ફાયરફાઇટીંગ ફોર્મનો મારો ચલાવ્યો હતો .

બપોરનાં ૩ કલાકની આસપાસ લાગેલી આગ પર મોડી સાંજે કાબુ મેળવ્યો હતો .આ ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી. પરંતુ આસપાસમાં આવેલા ઉદ્યોગો આગ થી પ્રભાવિત ન થાય તે માટે પણ લાશ્કરોએ તકેદારી દાખવી હતી જ્યારે ઘટના સ્થળે ભેગા થયેલા લોક ટોળાને વિખેરવા માટે જીઆઇડીસી પોલીસે બંદોબસ્ત ખડકી દીધો હતો.

 એડ કેમ ઇન્ટરનેશનલ નાં ગોડાઉનમાં રિકવરી સોલ્વન્ટનો જથ્થો કેટલો હતો .તેમજ સોલ્વન્ટને સંગ્રહ કરવા માટે રાખવામાં આવતી પૂરતી સગવડ હતી કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરી છે. આગ લાગવા પાછળનું સાચું કારણ હજી જાણી શકાયુ નથી પરંતુ ગરમી નો પારો વધવાને કારણે સોલ્વન્ટમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.