Updated: Apr 11th, 2022
- આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, પ્લાન્ટનો મોટો હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો
ભરૂચ, તા. 11 એપ્રિલ 2022, સોમવાર
ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાના કારણે 6 મજૂરોના મોતની ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાતે દહેજની ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયામાં બ્લાસ્ટ થવાના કારણે આ પ્રકારની ઘટના બની હતી.
દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગવાના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા 6 કામદારોના મોત થયા છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિસ્ફોટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. આશરે 6 જેટલા કામદારો ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા પરંતુ બાકીના કામદારો ગંભીર રીતે દાઝ્યાં હતા અને મોતને ભેટ્યા હતા.
આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, પ્લાન્ટનો મોટો હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અંગે જાણ થયા બાદ પોલીસ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફ્ટી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર દુર્ઘટના પાછળ કંપનીની બેદરકારી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.