ભરૂચ ખાતે નર્મદા પાર્કમાંથી નર્મદાનાં પૂર ઉતરતાં કાદવ કીચડનું સામ્રાજ્ય
-પાર્કમાં આઠેક ફીટનો કાંપ જામ્યોઃ પાર્કમાં શ્રીજી પ્રતિમા તણાઇ આવી હતી ઃ રમતગમતનાં સાધનો કાદવમાં ગરકાવ
ભરૂચ તા.22 સપ્ટેમ્બર 2019 રવીવાર
નર્મદા નદીમાં પૂરના પાણીમાં બે માસથી ગરકાવ થયેલો નર્મદા પાર્કમાંથી પૂરના પાણી હવે ઉતરી ગયા છે. પણ પાર્કમાં ૭ થી ૮ ફૂટના કાંપ માં તણાઇને આવેલી શ્રીજી પ્રતિમાઓ પણ જોવા મળે છે. પાર્કને મોટુ નુકસાન થવા પામ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા લાખો ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં ઠલવાતા નર્મદાનદી બે કાંઠે વહેતી થવા સાથે નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખેતરો તથા નીચા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ઝાડેશ્વરના નીલકંઠેસ્વર નર્મદા ઓવારાની બાજુમાં આપેલો સરકારી નર્મદા પાર્ક નીચા વિસ્તારમાં હોવાથી છેલ્લા બે માસથી સમગ્ર પાર્ક પૂરના પાણીમાં ગરકાવ હતો.
નર્મદા નદીમાં પૂરનાં પાણી ધીરે-ધીરે ઓસરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે નર્મદા પાર્ક પણ પૂરના પાણી ભરાઇ રહેવાના કારણએ બે માસથી બંધ હતો. હાલમાં પણ નર્મદા નદીના પૂરના પાણી ઓસરતા નર્મદા પાર્કમાં ૭ થી ૮ ફીટનો કાંપ ઠરતાં કાદવ-કીચડનું સામ્રાજ્ય જામ્યું છે. નર્મદા પાર્કની સફાઇ કરવામાં અંદાજીત ૨ થી અઢી માસનો સમયગાળો લાગનાર છે.
નર્મદા પાર્કના સંચાલકો નર્મદા પાર્કની સફાઇ કરાવી કાપ દૂર કરાવે તો પણ નર્મદા નદીમાં હજી પૂર આવે તો ફરી નુકસાન થવાની દહેશત રહી છે. આથી હજુ પણ નર્મદા પાર્કને નિયમિત રીતે શરૃ કરામાં બે થી અઢી માસનો સમય સમય લાગશે.