Get The App

જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ વિવિધ વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી

ભરૂચ નગરપાલિકા દ્વારા ૩૦ જેટલા સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પનું સફળ આયોજન

Updated: Nov 30th, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચઃ  જિલ્લામાં કોવિડ-૧૯ થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખુબ જ સુંદર અને સુચારૂં રીતે ચાલી રહ્યું છે. ગઈકાલે તા.૨૯-૧૧-૨૦૨૧ નાં રોજ અંકલેશ્વર શહેરના ૧૨૧ જેટલાં સેન્ટરો પર રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૩૨૧૩૬ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે.


આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના ૩૦ જેટલા સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ વિવિધ વેક્સિનેશન સેન્ટરોને મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ વેક્સિનેશન કરતાં સ્ટાફ સાથે અને વેક્સિન લેનાર લાભાર્થીઓ સાથે વાતચીત કરી વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વેક્સિન લેવા સૌ કોઈ આગળ આવે તે માટેની સમજણ પણ આપી હતી. આ મુલાકાત વેળાએ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ચીફ ઓફિસર સંજયભાઈ સોની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.     


આ મેગા વેક્સિનેસન ડ્રાઈવમાં વેક્સિનનો પ્રથમ તેમજ બીજો ડોઝ લેનારને “યુવા અનસ્ટોપેબલ” સંસ્થાના સૌજન્યથી વિનામૂલ્યે એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા ધ્વારા યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પના દરેક સેન્ટરો ઉપર વેક્સીન મુકાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.ભરૂચ ખાતેના ૩૦ જેટલા સેન્ટરો પર બપોરે ૦:૦૦ કલાક સુધીમાં ૬૧૨૯ વ્યક્તિઓનું  રસીકરણ કરવામાં આવ્યું છે. હજુ પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ છે.


ભરૂચ જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓને રસીકરણનો લાભ આપી કોરોના વાઈરસના સંક્રમણથી બચાવવા કોવિડ-૧૯ રસીકરણનો પ્રચાર-પ્રસાર, ગૃહ મુલાકાત થકી લોકોમાં રસીકરણ પ્રત્યે જનજાગૃતિ કેળવી કામગીરી વધારવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ જણાવ્યુ છે.