Gujarat

ભરૂચના ગણેશ ભક્તો દ્વારા ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ નિલકંઠેશ્વર નર્મદા ઓવારે વિસર્જન

By GS Team
12 Sep 20192 mins read
This article was originally published on 12 Sep 2019
ભરૂચના ગણેશ ભક્તો દ્વારા ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ નિલકંઠેશ્વર નર્મદા ઓવારે વિસર્જન

ભરૂચ તા.12 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર

ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ યુવક મંડળો દ્વારા તથા શ્રીજી ભકતો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસથી શ્રીજીની સ્થાપના કરી દસ દિવસ ભક્તિભાવ અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કર્યા બાદ શ્રીજીને વિદાય  આપવા માટે ગત મોડી સાંજથી જ શ્રીજી યુવક મંડળોમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો હતો.ભરૃચના વિવિધ શ્રીજી યુવક મંડળોએ વિવિધ વાહનોને શણગાર કરવા સાથે તેમાં શ્રીજીને બિરાજમાન કરી શહેરના માર્ગો ઉપરથી ભવ્ય શ્રીજી વિસર્જન યાત્રાઓ નીકળી હતી .જેમાં શ્રીજી ભકતો   ઢોલ નગારા ડીજે તથા અબીલ-ગુલાલ અને પુષ્પો ની છોળો વચ્ચે ઝૂમી ઉઠયા હતા .

શહેરના માર્ગો   અબીલ-ગુલાલની છોડો થી સમગ્ર ભરૃચ શહેર શ્રીજીમય બની ગયું હતું .નર્મદા નદીમાં સતત પાણી ભરપૂર રહેતા કેટલાક શ્રીજી ભક્તોએ પોતાના શ્રીજીને વહેલી તકે વિદાય આપવા માટે સવારથી જ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે તથા જાડેશ્વર રોડના સાઈ મંદિર નજીકના જળકુંડ માં વિસર્જન કરવા માટે ઉમટી પડયા હતા.

તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની નાની  પ્રતિમાઓ સાઈ મંદિર નજીક બનાવવામાં આવેલ જળકુડ માં વિસર્જન કરવા માટેનું આહવાન કર્યું હતું.કેટલાક શ્રીજી ભક્તોએ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાનું વિસર્જન કરવા માટે વહેલી સવારથી જ જળકુંડ નજીક કતાર જમાવી હતી .બીજી તરફ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે પણ ઈકોફ્રેન્ડલી અને માટીની પ્રતિમાઓ વિસર્જન કરવા માટે શ્રીજી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ.નર્મદા નદીમાં સતત પાણીનો ધસમસતો પ્રવાહ હોવાના કારણે નીલકંઠધામ નર્મદા ઓવારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો

 બપોર બાદ સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવનાર હોવાના અહેવાલના પગલે શ્રીજી યુવક મંડળોએ પણ પોતાના શ્રીજીને વહેલી તકે વિસર્જન કરવા માટે સવારથી જ પોતાના વિસ્તારોમાંથી વિસર્જન યાત્રા નીકળી નીલકંઠેશ્વર નર્મદા ઓવારે  વિદાય આપી હતી. બીજી તરફ મોટી  શ્રીજીની પ્રતિમાઓને વિસર્જન કરવા માટે ભાડભૂત રવાના કરવામાં આવતા ભાડભૂત ખાતે  શ્રીજી વિસર્જન માટે ત્રણ જેટલી ક્રેઈન મૂકવામાં આવી હતા .જેનાથી શ્રીજીને વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યા હતા.

શ્રીજી ભક્તોએ ભક્તિભાવપૂર્વક શ્રીજીને વિદાય આપી હતી.શ્રીજી વિસર્જન યાત્રામાં નીકળતા ભક્તો માટે  ચા-પાણી નાસ્તાની સવલતો માટે સ્ટોલ ઊભા કરાયા હતા.શ્રીજી વિસર્જન યાત્રામાં જોડાયેલા શ્રીજી ભક્તોને પીવાનું પાણી સરબત તથા નાસ્તો વિના મૂલ્યે મળી રહે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર સ્ટોલ ઊભા કરાયા હતા .શ્રીજી વિસર્જન યાત્રામાં જોડાયેલા લોકોને વિનામૂલ્યે પાણી છાશ શરબત તથા નાસ્તાનું વિતરણ કરાયું હતું.