ભરૂચ જિલ્લામાં વરસાદના વિરામથી નવરાત્રી મહોત્સવની જમાવટ
-ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં અનેરો ઉત્સાહ
ભરૂચ તા.3 ઓક્ટાેબર 2019 ગુરૂવાર
વરસાદના વિરામ અને વિદાયના અણસારથી ભરૃચ શહેર જિલ્લાના નવરાત્રી મહોત્સવની જમાવટ ચરમસીમાએ પહોંચી છે. જેથી ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા ગ્રાઉન્ડ ગજવી રહ્યા છે.
મા આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીનો વરસાદી મહોલમાં પ્રારંભ થતા પ્રથમ ત્રણ નોરતામાં વરસાદી વિઘ્ન રહેવા પામ્યુ હતુ. જેથી ગરબા આયોજકો અને ખેલૈયાઓ પણ મુંઝવણમાં મુકાયા હતા. જો કે ચોથા નોરતાથી વરસાદી માહોલ દૂર થતાં જ નવરાત્રી મહોત્સવ સોળે કળાએ ખીલી ઉઠયો છે.
રંગબેરંગી ટ્રેડીશનલ ડ્રેસ અને ઝગમગાટ કરતી રોશની વચ્ચે સૂર અને તાલ સાથે ખેલૈયાઓ મન મૂકીને મા આદ્યશક્તિના આરાધના પર્વમાં ગરબે ઘૂમી માઈભક્તિમાં લીન બન્યા હતા.
પાર્ટી પ્લોટ પરના મેઘા ગરબા આયોજનો સાથે શેરી ગરબામાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમીને રમઝટ બોલાવી હતી. ભરૃચ શહેર જિલ્લામાં અન્ય ગરબા મહોત્સવોમાં પણ પાંચમે નોરતે ખેલૈયાઓ અને ગરબા આયોજકો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો.