આમોદ,તા.18 જાન્યુઆરી 2019 શુક્રવાર
આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી ક્રિકેટ રમાડી આયોજકો દ્વારા લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. છતાં ગ્રામ પંચાયતને એક પણ રૂપિયો ના આપી લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોય ઇખરના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી ખાતા નંબર ૧૨૪૧ બ્લોક નંબર ૨ વાળી સરકારી પડતર જમીન ઉપર અદ્યતન સુવિધવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હારુન ગુલામ ચાંચવેલીયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રાત દિવસ ક્રિકેટ મેચો રમાડી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. છતાં ગ્રામ પંચાયત ને એકપણ રૂપિયો જમા નહીં કરાવતા ઇખર ગામના જાગૃત નાગરિક યાકુબ અબ્દુલ આમનજીએ આમોદ તાલુકા વિકાસ અધિકારી નાયબ કલેકટર જંબુસર જિલ્લા કલેકટર ભરૂચ તકેદારી આયોગ ગાંધીનગર ગુજરાત વિજિલન્સ કમિશન ગાંધીનગર વગેરે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ઉપરાંત સરકારી જમીનમાં બોગસ પુરાવાઓ ઉભા કરી હારુન ગુલામ ચાંચવેલીયાએ સરકારી જમીનમાં વીજ જોડાણ મેળવ્યું હતું. પરંતુ જાગૃત નાગરિકોની વાંધા અરજીને ધ્યાને લઇ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પાલેજ સબ ડિવિઝન તરફથી વીજ જોડાણ દૂર કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી પડતર જમીનમાં અદ્યતન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી લાખો રૂપિયા કમાવાનું સાધન ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરફથી કરવામાં આવ્યું હતું. જે સત્તાના જોરે તેણે ગ્રામ પંચાયત ઇખરના લેટર પેડ ઉપર તા. ૨૭/૦૪/૨૦૧૦ ના રોજ થ્રી ફેજ વીજ કનેકશન માટે અરજી કરાવી હતી જેમાં પાંચ પંચોની સહીઓ પણ છે. જેને ધ્યાનમાં લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પાલેજ સબ ડિવિઝન તરફથી તા ૧૨/૦૮/૨૦૧૦ ના રોજ થ્રી ફેજ કનેક્શન આપવામાં આવ્યું હતું.
બોક્સ..........................
ઈખર ગ્રામ પંચાયતનો લોલમલોલ વહિવટ
ઠરાવ કે પરવાનગી વિના સરકારી જમીન ભાડે આપી
આમોદ,તા.18
આમોદ તાલુકાના ઇખર ગામે સરકારી જમીન ઉપર વર્ષોથી ક્રિકેટનું આયોજન કરી લાખોની કમાણી આયોજકો દ્વારા કરવામાં આવે છે.પરંતુ તે જમીન બાબતે જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા તા.૨૩/૦૮/૨૦૧૭ ના જવાબમાં માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે બ્લોક નંબર ૨ વાળી જમીનમાં ઘણા વર્ષોથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.જેનો કોઈ પણ પ્રકારનો પરવાનો કે ઠરાવ કરવામાં આવ્યો નથી.તેમજ પંચાયતમાં કોઈપણ પ્રકારની રકમ જમા કરવામાં આવી નથી.આ ઉપરાંત સરકારી જમીનમાં ટ્યુબવેલ બનાવવામાં આવેલ છે જેની પણ ગ્રામ પંચાયત તરફથી પરવાનગી આપવામાં આવી નથી કે ઠરાવ કરવામાં આવ્યો નથી.પરંતુ જ્યારે રમત ગમતના મેદાનમાં વીજ કનેક્શન લેવા માટે ગ્રામ પંચાયતના તા.૨૭/૦૪/૨૦૧૦ ના લેટર પેડ ઉપર જણાવવામાં આવ્યું છે કે ખાતા નંબર ૧૨૪૧ વાળી જમીન સરકારી પડતર (ખળી)ના નામે જગ્યા બોલે છે. જેનો વહીવટકર્તા હારુન ગુલામ ચાંચવેલીયા છે. જેઓએ આ જગ્યા ત્રણ વર્ષ માટે ભાડે લીધેલ છે. જેથી તેઓને થ્રી ફેજ કનેક્શન આપવામાં આવશે તો અમોને વાંધો નથી.આમ ઇખર ગ્રામ પંચાયતનો લોલમલોલ વહીવટ દેખાઈ રહ્યો છે.
ઇખર ગામે સરકારી પડતર જમીનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી લાખો રૂપિયા ચાઉ કરનાર સામે ગામના જ જાગૃત નાગરિક યાકુબ અબ્દુલ આમનજીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું હતું. પરંતુ તેમણે હાર ના માની જિલ્લા ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમમાં તા.૨૫/૧૨/૨૦૧૮ના રોજ ફરિયાદ કરતાં જિલ્લા કલેકટર દ્વારા નાયબ કલેકટર જંબુસર તથા જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને તપાસ આપતા ઇખર ગામે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર કબજો કરી ક્રિકેટ રમાડી લાખો રૂપિયાની કમાણી કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ બાબતે ઇખર ગ્રામ પંચાયતના તલાટી ભાવેશ નાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી જમીન કોઈને ભાડે આપવામા આવી નથી તેમજ ક્રિકેટ માંથી મળતી કોઈ પણ આવક ગ્રામ પંચાયતને મળતી નથી.


