ભરૂચના ભોલાવ વિસ્તારમાં 20 વ્યક્તિને ડેન્ગ્યૂ થતાં ગ્રામજનાેનાે પંચાયતમાં હલ્લાબાેલ
-પંચાયતનું ફોગીંગ મશીન સ્ટોર રૂમમાં ધૂળ ખાય છે
ભરૂચ તા.23 ઓક્ટાેબર 2019 બુધવાર
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ડેન્ગ્યૂના રોગચાળાથી લોકોમાં દહેશત ફેલાઇ છે.જેના કારણે ગ્રામજનોએ પંચાયત પર હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆત કરી હતી. ભરૂચ સહિત સમગ્ર ગુજરાત પણ ડેન્ગ્યૂએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરના ભોલાવ ગામમાં 20 જેટલા લોકોને ડેન્ગ્યૂ થયો હોવાની અને ડેન્ગ્યૂના કારણે જ ગામમાં એક મહિના પહેલા બે યુવાનોના મોત પણ થયાની લોકચર્ચા પણ છે.પંચાયત દ્વારા વસાવેલા ફોગીંગ મશીન તેના સ્ટોર રૂમમાંધૂળ ખાતા દેખાતા ગ્રામજનોમાં પંચાયત વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસા બાદ શહેર જિલ્લામાં પાણી જન્યરોગોએ માથું ઉચક્યું છે. ઠેર- ઠેર ગંદકી અને અમુક સૃથળોએ ભરાયેલા ચોખ્ખા પાણીના કારણે મચ્છરોનું પ્રમાણ શહેરમાં વધ્યું છે. તેમાં પણ મેલેરિયા અતે ડેન્ગ્યુના વાવરે તો જાણે શહેરના અમુક વિસ્તારોને બાનમાં લીધા છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં લોકો મોટી સંખ્યામાં ડેન્ગ્યૂ અને મેલેરિયાની સારવાર લઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે ઓક્ટોબરના અંત પછી નવેમ્બર મહિનામાં ડેન્ગ્યૂના કેસો જોવા મળે છે.જેમાં આ વખતે સપ્ટેમ્બરથી જ ડેન્ગ્યૂ માથું ઊંચકી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આવા વિસ્તારોમાં સર્વે કરીને ફોગીંગ થવા દવાનો છંટકાવ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.
ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગામની બહારના ભાગે જ સાફ સફાઈ કરાવામાં આવે છે પરતું અંદરના ભાગે જયાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે, તેવા સૃથળે સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.જેના કારણે ગામમાં એક મહિના પહેલા પણ બે યુવાનોના ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યા છે. બીજી તરફ ચોખ્ખા પાણીમાં મચ્છર મારવાની દવાઓ પણ ખરેખર છંટકાવ થાય છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. જેથી પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ અને દવાનો છંટકાવ કરવામાં આવે એવી લોકમાંગ સાથે ગ્રામજનો એ પંચાયત ખાતે ઘસી આવી ઉગ્ર રજૂઆત કરી હતી.