ભરૂચમાં મહિલાઓ ગેસના સિલિન્ડર માથે ઉંચકી ગેસ એજન્સી ઉપર પોહચી
-ગેસ એજન્સીના સંચાલકોએ હોમ ડિલિવરી કરાઈ રહી હોવનું જણાવી પાછા મોકલ્યા
ભરૂચ તા.3 એપ્રિલ 2020 શુક્રવાર
ભરૂચ જીલ્લામાં લોકડાઉનના કારણે લોકોના ગેસ સિલિન્ડરોના રિફિલિંગ કરાવવા માટે મહિલાઓ માથે મૂકીને ગેસ એજન્સી ઉપર પહોંચી હતી.પરંતુ ગેસ એજન્સી સંચાલકોએ ગેસ સિલિન્ડરો હોમ ડિલિવરી કરાતી હોવાનું જણાવી તમામને પરત ઘરે મોકલી હતી.
કોરોના વાઇરસને લઈ ભરૃચ જીલ્લામાં લોકડાઉનના પગલે લોકોને જીવન જરૃરીયાતની ચીજ વસ્તુઓ માટે હાલાકી પડી રહી છે.લોકોના રાંઘણ ગેસ સિલિન્ડર ખાલી થતા રિફિલિંગ કરાવવા માટે કેટલાક વિસ્તારોમાંથી ખાલી ગેસ સિલિન્ડર માથે ઊંચકી મહિલાઓ ગેસ એજન્સી ખાતે પહોંચી હતી.પરંતુ સંચાલકો દ્વારા ગેસ સિલિન્ડર તમારા ઘર સુધી ડિલિવરી બોય પહોંચાડશે ,તેવું રટણ કરતા ગેસ સિલિન્ડર માંથે ઉંચકીને બે કિલો મીટર દૂરથી આવેલી મહિલાઓએ પરસેવે રેબઝેબ થઈ પુનઃ તેઓના ખાલી ગેસ સિલિન્ડર સાથે પરત ફરવું પડયું હતું.
આ બાબતે ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે મહિલાઓ ગેસ સિલિન્ડર લઈઆવે છે પંરતુ અમોએ તેમને સૂચના આપી છે કે ગેસ સિલિન્ડર ગેસ એજન્સીના ડિલિવરી બોય દ્વારા પહોંચાડી દેવાશે . તે ઉપરાંત ઓનલાઇન નોધણી કરેલા તમામ સિલીન્ડરની ડિલિવરી હાલમાં ચાલી રહી છે .
જે તે વિસ્તાર ના ડિલિવરી બોયને વધારાના બે ત્રણ સિલીન્ડર આપવામાં આવેલા હોઈ છે .તેમાંથી આ મહિલાઓને ત્યાં ગેસ સીલન્ડર આપી દેવાશે. વધુમાં ત્રણ માસ માટે ઉજ્જવલ્લા યોજનાના બોટલો પણ નિયત કરાયેલ સમયે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહ્યું હતું.
બીજી બાજુ મહિલાઓ એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી ગેસ સિલિન્ડર મળતા ન હોવાના કારણે હાલ વાહન વ્યવહાર બંધ હોવાના કારણે ખાલી રાંધણ ગેસ નો સિલિન્ડર માથે ઊંચકી ગેસ એજન્સી સુધી પહોંચવું પડે છે અને તેઓ દ્વારા પણ ગેસ સિલિન્ડર આપતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકડાઉનના સમય દરમ્યાન ગેસ સહિત ની તમામ ચીજવસ્તુઓ સરળતાથી મળતી રહે તે માટે ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૃરી છે.