અંકલેશ્વરમાં નશીલી દવાનું વેચાણ કરતો દુકાનનો વેપારી ઝડપાયો
-ચરસ , ગાંજો અને ભાંગ મિક્સ કરીને ગોળી બનાવી વેચતો હતો
અંક્લેશ્વર તા.12 ફેબ્રુઆરી 2020 બુધવાર
અંકલેશ્વર રાજપીપળા રોડ પર મંગલદીપ સોસાયટીમાં એક મકાનમાં આવેલા અનાજ કરિયાણાની દુકાનમાંથી ભરૃચ એસઓજી પોલીસે માદક પદાર્થ ની ગોળીઓ સાથે એક આરોપીની ધડપકડ કરી હતી.
ભરૃચ એસ.ઓ.જી પોલીસ ને અંકલેશ્વર તાલુકાનાં સારંગપુર ગામ પાસે આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતો દિલીપ પ્રકાશ પોદાર પોતાના મકાનમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવી તેની આડમાં નશીલી ગોળીઓનું વેચાણ કરતો હોવાની બાતમીનાં આધારે રેડ કરતા તેની પાસેથી મધ્યપ્રદેશની બનાવટની એક કિલો નશીલા પદાર્થની ગોળીઓ પોલીસને મળી આવી હતી.
એસ ઓ જી પોલીસે દિલીપ પોદારની ધરપકડ કરી 1.55 કિલો ગ્રામ કુલ રૂ.6300 ની નશીલા પદાર્થની ગોળીઓ કબ્જે કરી હતી.ભરૃચ એસ.ઓ.જી એ આ ગોળીઓનાં જથ્થા ને એફએસએલની મદદથી તપાસ કરાવતા ગોળીઓ ચરસ ગાંજો અને ભાંગને મિક્સ કરી બનાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ.એસ.ઓ.જી પોલીસે મુદ્દામાલ સીલ કરી દિલીપ પોદારની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક સંબંધના ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.