અંકલેશ્વર તાલુકામાં બાળકી પર દુષ્કર્મની ઘટનાનો આરોપી ઝડપાયો
અંક્લેશ્વર, તા. 15 જુલાઇ 2019, સોમવાર
અંક્લેશ્વર તાલુકાનાં એક ગામના બસ સ્ટેન્ડ પાસે પડાવ નાંખીને રહેતા એક પરિવારની ૧૪ મહિનાની માસુમ બાળકીને તા ૧૨મીની રાત્રે કોઇ ઉઠાવી ગયો હતો. પરિવારજનોની શોધખોળ બાદ સવારે સામોર ગામ પાસેનાં સ્મશાનમાંથી મળી આવી હતી. માસુમ બાળાનું અપહરણ કરી તેની સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક ગામ લોકોમાં બનાવને પગલે રોષ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ અંક્લેશ્વર તાલુકાનાં એક ગામમાં મજૂરી અર્થે આવેલા પરપ્રાંતિય પરિવારો નજીકમાં જ પડાવ નાંખીને રહે છે. તા ૧૨મીની રાત્રેે એક પરિવાર તેમના પડાવ ખાતે સૂઇ રહ્યો હતો. તે વેળા રાતનાં સમયે તેમની ૧૪ મહિનાની પુત્રીને કોઇ નરાધમ ઉઠાવી ગયો હતો.
મળસ્કે પાંચ વાગ્યે પરિવારજનોને તેમની બાળકી ગુમ હોવાનું માલુમ પડતા લોકોએ આસપાસનાં વિસ્તારમાં બાળકીને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી. તેમને બાળકીનો કોઇ પત્તો લાગ્યો ન હતો.
ગામની સીમમાં અમરાવતી ખાડી પાસેનાં સ્મશાનમાં એક બાળકી રડી રહી હોવાની જાણ થતા તેમણે સ્મશાનમાં પહોંચી તપાસ કરી હતી. તે તેમની જ પુત્રી કણસતી હાલતમાં મળી આવી હતી. પરિવારે તેને ભરૂચની ખાનગી હોસ્પિટલ બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ તેની સારવાર શરૂ કરી તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજીમાં રવાના કરી હતી.
ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતા પોલીસ કાફલો આવ્યો હતો. ડીવાયએસપી એ તપાસ શરૂ કરી હતી. બનાવની ગંભીરનીને ધ્યાને લઇ ગામમાં તેમજ પડાવ ખાતે સર્ચ કરી શંકમંદોને ઝડપી લઇ તેમની પૂછપરછ આરંભી હતી.
આ ઘટનામાં તપાસ કરતી અંકલેશ્વર શહેર પોલીસ તેમજ ભરૂચ એલસીબી પોલીસને શકમંદોની પૂછપરછ બાદ અમરતપરા ગામનો આનંદ અમરસિંગ વસાવા (મૂળ રહેવાશી ડેડીયાપાડા , જિલ્લો નર્મદા)ની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી હતી.
આરોપી આનંદ વસાવા દેશી દારૂની ભઠ્ઠી પર મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસ પણ આ દિશામાં વધુ તપાસ કરેતો અન્ય ગુનાઓનાં ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા નકારી શકાય નહિં.
દુષ્કર્મીએ જ પરિવારને બાળકીની માહિતી આપી હતી
અંકલેશ્વરમાં મજુર પરિવાર જ્યારે પોતાની ૧૪ માસની ગુમ થયેલી પુત્રીને શોધી રહ્યો હતો. દુષ્કમ કરનાર આરોપી આનંદ વસાવાએ જ સ્મશાનમાં બાળકી હોવાનું પરિવારજનોને કહ્યું હતુ. આનંદની આ વાત તપાસ કરતી પોલીસનાં ગળે ઉતરી ન હતી. પોલીસે તેને શકમંદ તરીકે પૂછપરછ શરૂ કરતા આખરે આનંદે પોતાના વિકૃત ગુનાની કબૂલાત કરી હતી. વિભાગીય પોલીસ વડાએ જણાવ્યુ હતુ કે અંકલેશ્વર શહેર પોલીસ તેમજ ભરૂચ એલસીબી પોલીસની સંયુક્ત ટીમો બનાવીને પોલીસે ૩૦ થી ૩૫ શકમંદોની પૂછપરછ કરી હતી .પોલીસને તેમાં સફળતા મળી હતી.
હાલમાં બાળકી સારવાર હેઠળ હોવાનુ અને તેની તબિયતમાં સુધારો હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. આરોપી આનંદ વસાવા પરણિત હોવાની વિગતો સપાટી પર આવી હતી .તેની પત્ની ગર્ભવતી હોવાનું અને હાલમાં તેના ગામ ડેડીયાપાડા હોવાનું જાણવા મળ્યુ છે.