અંક્લેશ્વર તા.2 ડિસેમ્બર 2019 સાેમવાર
અંકલેશ્વર જી આઇ ડી સીમાં બંધ હિમસન કંપનીનાં ગોડાઉનમાં સર્વાઇવલ ટેક્નોલોજી કંપની દ્વારા સંગ્રહ કરેલો કેમીકલ જથ્થામાં ભીષણ આગની ઘટના બની હતી . જેને પગલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપની સામે કડક કાર્યવાહીનો કોરડો વિંઝયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કંપનીનાં બે યુનિટોને ક્લોઝર સાથે એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અંકલેશ્વર જી આઇ ડી સીમાં આવેલા હિમસન કંપની છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે. જેના શેડમાં સર્વાઇવલ ટેક્નોલોજી કંપનીનું ગોડાઉન આવેલું છે. જેમાં કંપની દ્વારા વિવિધ કેમીકલના જથ્થાનો ડ્રમોમાં સંગ્રહ કર્યો હતો. તા.17 મી નવેમ્બર 2019 નાં રોજ કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. ભીષણ આગની ઘટના બાદ જીપીસીબી દ્વારા હવા તેમજ અન્ય પ્રદુષણ મુદ્દે સઘન તપાસ શરુ કરી હતી.જે અંગેનાં રિપોર્ટ ગાંધીનગર જીપીસીબી વડી કચેરીમાં કરવામાં આવ્યા હતા.
જીપીસીબી ગાંધીનગર દ્વારા સર્વાઇવલ ટેક્નોલોજી સામે કડક કાર્યવાહી કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કંપનીનાં બે યુનિટોને ક્લોઝર નોટીશ ફટકારીને એક કરોડનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. અગાઉ પણ બંધ હિમસન કંપનીનાં ગોડાઉનમાં સર્વાઇવલ ટેક્નોલોજી દ્વારા વિવિધ કેમિકલનો સંગ્રહ કરવાના મુદ્દે જીપીસીબીએ તપાસ કરીને કંપનીને ક્લોઝર ફટકારી હતી.


