અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં સેંકડો જળચરનાં મોત થતાં ગ્રામજનોમાં રોષ
-વરસાદની મોસમ શરુ થતાં જ પ્રદુષણ ફેલાવનાર સક્રિય બન્યા
અંક્લેશ્વર તા 16 જુન 2020 મંગળવાર
અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામોમાંથી પસાર થતી અમરાવતી નદી ( ખાડી ) કિનારે સેંકડો માછલાઓ મૃત હાલતમાં મળી આવી હતી.ચોમાસાનો લાભ લઇ કેટલાક ઉદ્યોગોએ નદીમાં કેમિકલ વાળુ પાણી છોડવાનાં કારણે ખાડીનાં પાણીમાં જળચર જીવોનાં મોતની ઘટનાનું પૂર્ણાવર્તન થયુ હોવાનાં આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા.
તાજેતરમાં લોકડાઉન દરમ્યાન બંધ રહેલા ઉદ્યોગોને પગલે પ્રદુષણની માત્રામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ઉદ્યોગ શરુ કરવાની પરવાનગી મળતા અને વરસાદની મોસમ શરુ થતાં જ પ્રદુષણ માફિયાઓ સક્રિય બન્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
ભરૃચ જિલ્લાના જાગેશ્વર ગામે નર્મદા નદીના સંગમ સ્થળે માછલીઓના મોતની ઘટનાની શાહી સુકાય નથી .તેવામાં અંકલેશ્વરની અમરાવતી નદીમાં માછલીઓના મોત થયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અંકલેશ્વર તાલુકાનાં સારંગપુર, મોતાલી, નૌગામ સહિતનાં ગામોમાંથી પસાર થતી અમરાવતી ખાડીનાં પાણીમાં જળચરોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યુ હતુ.
સ્થાનિક રહીશો દ્વારા આ અંગે જીપીસીબીને જાણ કરી હતી.જીપીસીબી ની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીના નમુના લઈ તપાસ શરૃ કરી હતી.ચોમાસામાં વરસાદી પાણીની સાથે કેમિકલવાળુ પાણી છોડી દીધુ઼હોવાનાં આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા.