અંકલેશ્વરનાં એપાર્ટમેન્ટના બંધ મકાનમાં રૂ .3.12 લાખનાં દાગીનાની ચોરી
અંક્લેશ્વર તા.4 નવેમ્બર 2019 સાેમવાર
અંકલેશ્વરનાં હવામહેલ સામે આવેલ મરહબા એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. અને 3 લાખ ઉપરાંતનાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરનાં પીરામણ ગામ નજીક આવેલા હવામહેલ સામે મરહબા એપાર્ટમેન્ટમાં જમશેદ આશ મહમદ ચૌધરીનું મકાન આવેલુ છે. તેમના મકાનમાં તેમની દિકરી નઝમા પરિવાર સાથે રહે છે. નઝમાબહેન ગત તા.1 લી ઓક્ટોબરે બાળકો સાથે મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજનો નકુચો તોડી અંદર ઘરમાં પ્રવેશ્યા હતા. અને તિજોરી તોડી તેમાંથી સોન ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
નઝમાબેન તા .3 નાં રોજ પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનુ જણાતા તાત્કાલિક તેમના પિતા જમશેદ આશ મહમદ ચૌધરીને જાણ કરી હતી .શહેર પોલીસ મથકમાં જાણ કરીને રૂ. 3.12 લાખ ની કિંમતનાં સોના ચાંદીનાં ઘરેણાની ચોરી અંગે ફરિયાદ નોંધવી હતી.તેઓની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.