અંકલેશ્વરમાં હાઇવે પર કન્ટેનરમાંથી ૨૦૯ LED ટીવીની ચોરી
-આન્ધ્ર પ્રદેશથી ૭૨૦ ટીવી અમદાવાદ લઇ જવાતા હતા
અંક્લેશ્વર તા.17 જુલાઇ 2019 બુધવાર
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર હોટેલ નજીક થી એક કન્ટેનરમાંથી ૨૦૯ નંગ એલઇડી ટીવીની ચોરી થી ચકચાર મચી ગઈ હતી. આન્ધપ્રદેશ થી કન્ટેનર ચાલક ૭૨૦ નંગ એમઆઈ કંપનીનાં ટીવીનો જથ્થો ભરી અમદાવાદ ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ચોરીની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.
મળતી માહિતી મુજબ આન્ધપ્રદેશનાં તિરૃપતિ ખાતેથી ૭૨૦ નંગ એમઆઈ કંપનીનાં ટીવીનો જથ્થો ભરીને કન્ટેનર ચાલક સંદિપકુમાર સિંગ અમદાવાદ ખાતે લઇ જઈ રહ્યા હતા , દરમિયાન તા . ૧૬મીની રાત્રે કન્ટેનર ચાલક સંદિપકુમાર અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલી હોટેલ સામે કન્ટેનર પાર્ક કરીને આરામ કરવા માટે રોકાયા હતા.
આ તકનો લાભ લઈ તસ્કરોએ કસબ અજમાવીને પોતાનો મનસૂબો પાર પાડયો હતો , અને ચોરોએ સીફ્ત પૂર્વક કન્ટેનરનાં દરવાજાનું સીલ તોડીને ૨૦૯ નંગ એલઇડી ટીવીની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા.
હોટેલમાંથી પોતાના કન્ટેનર પર પરત ફરેલા ચાલક સંદિપકુમારને કન્ટેનરનાં દરવાજા ખુલ્લા નજરે પડતા તેને ચોરી થઇ હોવાનો અણસાર આવ્યો હતો . શહેર પોલીસનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી.
હાઇવે પર કન્ટેનરમાંથી એલઇડી ચોરીની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.
બનાવ અંગે કન્ટેનર ચાલક સંદિપકુમારે ૭૨૦ નંગ માંથી ૨૦૯ નંગ એલઇડી ચોરી કિંમત રૃપિયા અંદાજીત ૧૭ લાખ ઉપરાંતની ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેઓની ફરિયાદનાં આારે તપાસ શરુ કરીને હાઇવે પર સક્રિય બનેલી ચોર ગેંગને ઝડપી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા.