આમોદના નાહીયેર પાસે ST બસ ઉભેલી ટ્રકમાં ઘૂસી જતાં 20 મુસાફરો ઇજા
- ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
આમોદ, તા. 28 જુલાઇ 2019 રવિવાર
આમોદ તાલુકાના નાહીયેર અને આસનેરા વચ્ચેે આજ રોજ સવારે એસ.ટી બસે ધડાકાભેર સાઈડ ઉપર ઉભેલી ટ્રકને પાછળથી અથાડતાં અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા 20 મુસાફરોને જેમાં 13 પુરૂષ અને 7 મહિલાને નાની મોટી ઈજા થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આજ રોજ સવારે વડોદરાથી ભરૂચ જતી એસટી બસમાં આશરે 48 મુસાફરો બેઠા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોલથી લીલા નારિયેળ ભરીને મહારાષ્ટ્રના જલગાવ જતી ટ્રકને ડ્રાઇવરને ટ્રકના ગિયર બોક્સમાં કંઈક અવાજ આવતા કોઈક ખામી હોવાની શંકા જતાં ચેક કરવા નાહીયેર પાસે ડ્રાઈવરે પોતાના કબજામની ટ્રક સાઈડમાં ઉભી કરી હતી અને ડ્રાઈવર તથા કંડકટર ચકાસણી કરતા હતા.
તે અરસામાં પાછળથી આવતી સલામત સવારીની વાતો કરતી એસટી બસના ડ્રાઈવરે વરસાદી વાતાવરણને કારણે રોડ ભીના થતાં બસ સ્લીપ ખાવાથી ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા એસટી ધડાકાભેર પાછળથી ટ્રકમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ આમોદ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એસટીમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા થતાં 108 મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
જંબુસરના કહાનવા ગામના બાપ દીકરો જંબુસરથી બસમાં બેસીને ભરૂચ તરફ જઈ રહ્યા હતા. નાહીયેર અને આસનેરા ગામ પાસે એસટી બસે ધડાકાભેર ઉભેલી ટ્રકમાં પાછળથી ટક્કર મારતાં બસમાં બેઠેલા ઘનશ્યામ ભગવતીપ્રસાદ પંડયા રહે કહાનવા તા જંબુસરને નાકમાં ફેક્ચર થયું હતું જ્યારે તેમના દીકરો પીનાકીન ઘનશ્યામ પંડયાને ઉપર નીચેના બે-બે દાંત તૂટી ગયા હતા. હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.