અંકલેશ્વર કાપોદ્રા ગામે 13 પશુઓનાં ઝેરી પદાર્થ ખાવાથી મોત ,પાંચ ગંભીર
-પશુપાલકો દ્વારા પશુધનના મોત થવા અંગે પોલીસ ફરિયાદ
અંક્લેશ્વર તા.17 ઓક્ટાેબર 2019 ગુરૂવાર
અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામના ગૌચરમાં ચરવા માટે ગયેલી ગાયો તથા ભેંસોના રહસ્યમય રીતે અચાનક મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે પશુપાલકે પોતાના પશુધનના મોત અંગે યોગ્ય તપાસ કરવા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરનાં કાપોદ્રા ગામે ગૌચરની જગ્યામાં અંકલેશ્વરનાં કોસમડી ખાતે મનમંદિર સોસાયટીની બાજુમાં ભરવાડ વાસમાં રહેતા છગન રઘુભાઇ ભરવાડનું પશુાૃધન ગત તા.16 મીના રોજ કાપોદ્રા ગૌચરમાં ચરવા છોડેલું હતુ. જયાં ચારો ચર્યા બાદ 10 ગાયો તથા 3 જેટલી ભેંસો ટપોટપ મોતને ભેટી હતી. જેથી છગન ભરવાડે આશરે 4 લાખના પશુધન કોઇ ઝેરી પદાર્થ આરોગવાથી મોતને ભેટયા હોવાની અને તેની તપાસ અર્થે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અબોલ પશુઓ જે ગૌચરમાં ચરવા માટે ગયા હતા ત્યાં ઝેરી લાડવા મુકવામાં આવ્યા હતા . જે આરોગવાથી 10 ગાય અને 3 ભેંસો મોતને ભેટયા હોવાનું અનુમાન લગાવ્યુ છે , જ્યારે હજી પાંચ પશુઓ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે .તેમજ પશુચિકિત્સક દ્વારા જરૂરી સારવાર કરી હતી.જ્યારે તાલુકા પોલીસે ઝેરી લાડવાનાં નમુના લઈ તપાસ શરૂ કરી હતી.