દશેરા પહેલાં મીઠાઈ-ફરસાણની દુકાનો પર વડોદરા પાલિકાની ખોરાક શાખાના દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Food Safety : વડોદરા શહેરમાં નવરાત્રી પર્વની ઉજવણી વચ્ચે મીઠાઈ અને ફરસાણના વેચાણમાં વધારો થયો છે. આગામી 20 ઓક્ટોબરે દશેરા પર્વ હોવાથી ફાફડા-જલેબીની દુકાનો પર પણ ધૂમ વેચાણ થવાની શક્યતા છે. તહેવારો દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની અલગ-અલગ ટીમો આજે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ માટે ઊતરી છે.
ખોરાક શાખાની ટીમો દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરીને ખાદ્ય પદાર્થો તૈયાર કરવા માટે વપરાતા કાચા માલની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે નમૂના લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. દુકાનોમાં ગંદકી જોવા મળતાં સંબંધિત વેપારીઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા ખંડેરાવ માર્કેટ, સુભાનપુરા, વાઘોડિયા રોડ, અલકાપુરી અને માંજલપુર સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
તહેવારોના દિવસોમાં ખાદ્ય પદાર્થોની માગ વધતાં વેપારીઓ દ્વારા સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવું મહત્ત્વનું બને છે. ખોરાક શાખાની ટીમોના ચેકિંગ અને દરોડાને પગલે નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.




